હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.


સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો

NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.

2019માં થઈ હતી હત્યા

NIAના જણાવ્યા મુજબ 5 ફેબ્રુઆરી 2019ના રોજ રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. તેઓએ કથિત બળજબરીથી ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે PFI સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. બાદમાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ બુરહાનુદ્દીન અને મોહમ્મદ નબીલ હસનની સંડોવણી સામે આવી હતી. NIAનો આરોપ છે કે આરોપીઓને ઓળખતા હોવા છતાં આ ચારેય લોકોએ લગભગ છ વર્ષ સુધી તેમને અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખ્યા હતા. આ પહેલાં NIA 18 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીએ જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને નવા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું



  • Follow us on: