બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાત ‘અકવાન’એ બુધવારે સવારે પોતાની તાકાત વધારી છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં માત્ર 3 કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત ધીમી ગતિએ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.

હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી આશરે 580 કિલોમીટર પૂર્વમાં, ત્રિંકોમાલીથી 650 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, મછલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમથી લગભગ 610 કિલોમીટર દૂર તથા ઓડિશાના ગોપાલપુરથી 730 કિલોમીટર દક્ષિણે સ્થિત છે.

વાવાઝોડાની ધીમી ગતિને કારણે તેને પોતાની તાકાત વધારવા માટે પૂરતો સમય મળી રહ્યો છે. જેના કારણે તે સામાન્ય ચક્રવાતી તોફાનમાંથી વધુ શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 20 નવેમ્બરની બપોરે આંધ્રપ્રદેશ તથા યાનમના દરિયાકાંઠે નેલ્લોરથી વિશાખાપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે.

cyclone akwan

દરિયાકાંઠે 120 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

ચક્રવાત દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની મહત્તમ સતત ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના જોરદાર ઝાપટા 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ વાવાઝોડાની તીવ્રતા વધુ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, સત્તાવાર રાષ્ટ્રીય બુલેટિન અનુસાર આ ચક્રવાત તરીકે જ દરિયાકાંઠે ટકરાશે.

વાવાઝોડાની ધીમી ગતિને કારણે તે લાંબા સમય સુધી સમુદ્રમાં સક્રિય રહી શકે છે. જેના કારણે તેની તીવ્રતામાં હજુ વધારો થવાની આશંકા છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની શક્યતા

આ ચક્રવાતની સીધી અસર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી બે દિવસમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.

સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળવાની શક્યતા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી શકે છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ શકે છે.

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ખેડૂતોને પાક અને પશુઓની સુરક્ષા માટે અગાઉથી તૈયારીઓ કરવા અપીલ કરી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશા સરકારોએ રાહત શિબિરો, બચાવ ટુકડીઓ અને જરૂરી સંસાધનો તૈયાર રાખવાની કામગીરી શરૂ કરી દીધી છે.

https://x.com/Indiametdept/status/2122896851179565316?a=x7DbftJIjpAQzQjfvLE&s=20


દરિયાકાંઠાના લોકોને સતર્ક રહેવા અપીલ

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અને નબળાં મકાનોમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.

ચક્રવાતને કારણે વીજળી પુરવઠો ખોરવાઈ શકે છે, સંદેશાવ્યવહાર ખોરવાઈ શકે છે અને રસ્તાઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગ સતત નવી માહિતી જાહેર કરી રહ્યો છે અને લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપી રહ્યો છે. ચક્રવાત ‘અકવાન’ની ધીમી ગતિને કારણે તંત્રને તૈયારીઓ માટે વધારાનો સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ વાવાઝોડાને વધુ શક્તિશાળી બનવાની તક પણ મળી રહી છે.

આથી સતત દેખરેખ અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. નવેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં સક્રિય બનતું આ ચક્રવાત દરિયાકાંઠાના રાજ્યો માટે એક મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચો:https://sandesh.com/india/news/bird-flu-vaccine-h5n1-20-