દેશભરમાં શિયાળાની શરૂઆત સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે, તો બીજી તરફ ચક્રવાત અક્વાનને કારણે અનેક રાજ્યોમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત અક્વાન નબળું પડ્યું હોવા છતાં તેની અસર હજુ યથાવત છે. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહી હોવાથી બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરપૂર્વીય રાજ્યો સહિત કુલ 10 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આસામ મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા

ખાસ કરીને આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ વીજળી પડવાની શક્યતા છે, જ્યારે ઝારખંડના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ અને રાંચીમાં વરસાદને કારણે ૨૦ ફ્લાઇટ્સ રદ થવાના અહેવાલ છે. બિહારના પૂર્વી અને દક્ષિણી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે.

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો માહોલ રહેશે

ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૦ નવેમ્બરથી શરૂ થયેલા ધુમ્મસે દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબને ઘેરી લીધું છે. દિલ્હીમાં સવારના સમયે તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ નોંધાયું હતું અને AQI 360 ની આસપાસ રહેતા પ્રદૂષણની સ્થિતિ 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં રહી હતી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી અને રાત્રે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહેવાની શક્યતા છે, તેમજ નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ સવારે ધુમ્મસ અને રાત્રે ઠંડી વધશે.
https://x.com/Indiametdept/status/2124042265786204553?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124042265786204553%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

રાજસ્થાનના સીકરમાં સૌથી નીચું તાપમાન

ઉત્તર પ્રદેશમાં મથુરા, આગ્રા, બરેલી, કાનપુર અને સહારનપુર સહિતના જિલ્લાઓમાં 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે શીત લહેરની ચેતવણી અપાઈ છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઠંડી વધી રહી છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

24 થી 26 નવેમ્બર વચ્ચે કેરળમાં ભારે વરસાદ

પહાડી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની ચેતવણી છે, જેનાથી મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધશે. આ ઉપરાંત, ૨૩ થી ૨૭ નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે, જ્યારે 24 થી 26 નવેમ્બર વચ્ચે કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ભાજપના OBC મોરચાની નવી ટીમ જાહેર, ગુજરાતના દશરથજી ઠાકોરને રાષ્ટ્રીય જવાબદારી