સામાન્ય જનતા માટે મોંઘવારીનો માર યથાવત છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારો પર પડતા, દેશની તેલ વિતરણ કંપનીઓએ ઘરેલુ રસોઈ ગેસ (LPG) ના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંક્યો છે. આ નિર્ણયની સીધી અસર રસોડાના બજેટ પર પડશે.
નવા દરો અમલમાં
તેલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દર આજથી જ અમલમાં આવી ગયા છે. આ અગાઉ 7 માર્ચ, 2026ના રોજ પણ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો થયો હતો, જે બાદ ફરી એકવાર વધારો થતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિવિધ શહેરોમાં નવી કિંમતો (પ્રતિ 14.2 કિલો સિલિન્ડર):
દિલ્હી: ₹913 થી વધીને હવે ₹942 થયો.
કોલકાતા: ₹939 થી વધીને હવે ₹968 થયો.
મુંબઈ: ₹912.50 થી વધીને હવે ₹941.50 થયો.
ચેન્નાઈ: ₹928.50 થી વધીને હવે ₹957.50 થયો.
ભાવ વધારા પાછળનું કારણ
તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરના વેચાણમાં કંપનીઓને સતત મોટું નાણાકીય નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ, કંપનીઓને પ્રતિ સિલિન્ડર અંદાજે ₹703નું નુકસાન થઈ રહ્યું હતું. આ ખોટને ભરપાઈ કરવા માટે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. આ ઉપરાંત, ઘરેલુ ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે વાણિજ્યિક ગેસના વપરાશ પર નિયંત્રણ લાવવાના હેતુથી તેના દરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
વાણિજ્યિક સિલિન્ડર પણ મોંઘા
માત્ર ઘરેલુ જ નહીં, પરંતુ વાણિજ્યિક (Commercial) સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. 1 જૂનથી 19 કિલોના વાણિજ્યિક સિલિન્ડર દિલ્હીમાં ₹42 મોંઘા થઈને ₹3113.50, જ્યારે કોલકાતામાં ₹53.50 વધીને ₹3255.50 થયા છે. આ ઉપરાંત, નાના વેપારીઓ દ્વારા વપરાતા 5 કિલોના FTL સિલિન્ડરના ભાવમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે દિલ્હીમાં ₹821.50 માં મળશે.
આ પણ વાંચોઃ CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?