દેશમાં રવિવારનો દિવસ અનેક પરિવારો માટે કાળ બનીને આવ્યો. અલગ-અલગ રાજ્યોમાં વાહનોની ટક્કર, કાર પલટી જવી અને વાહનો પરનો કાબૂ ગુમાવવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાયા. ક્યાંક પરિવાર ધાર્મિક સ્થળેથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તો ક્યાંક લગ્નપ્રસંગમાંથી ઘરે જતાં લોકો રસ્તામાં જ મોતને ભેટ્યા. આ અકસ્માતોમાં બાળકો અને મહિલાઓ સહિત 48 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોટામાં એક જ પરિવારના 9 લોકોનાં મોત

રાજસ્થાનના કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક એક ક્રૂઝર ગાડી રસ્તા પર ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી. ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને મહારાષ્ટ્રના ધુળે પરત ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી જતાં ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાનના જોધપુરમાં પણ કાર અને ટ્રાવેલ ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયાં અને 15 લોકો ઘાયલ થયા હતા. આ પરિવાર ગુજરાતથી રામદેવરા દર્શન માટે જઈ રહ્યો હતો.

કચ્છમાં આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર વેકરિયાના રણ વિસ્તારમાં કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. કારમાં ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારનો પરિવાર સવાર હતો, જે કચ્છ ફરવા આવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 7 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ પરિવારના કેટલાક સભ્યો ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ આર્મી પરિવારોમાં પણ શોકની લાગણી ફેલાવી છે. 

તમિલનાડુમાં કાર ઝાડ સાથે અથડાઈ, 8નાં મોત

તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં એક કારચાલકે કાબૂ ગુમાવતાં કાર રસ્તા પરના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકો ઘાયલ થયા હતા. તેલંગાણાના વિકારાબાદમાં લૉરીએ ઓટો રિક્ષાને ટક્કર મારતાં 4 લોકોનાં મોત થયાં હતાં. ઓટોમાં એક જ પરિવારના સભ્યો સવાર હતા. મૃતકોમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે.

બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ અકસ્માતો

બિહારના બાઢ વિસ્તારમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયોને હાઇવા ટ્રકે ટક્કર મારતાં 4 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઝારખંડમાં બે અલગ-અલગ અકસ્માતોમાં 6 લોકોનાં મોત થયાં હતાં. મધ્ય પ્રદેશમાં હાઈવે પર ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 3 લોકોનાં મોત થયાં અને 30 લોકો ઘાયલ થયા હતા. હરિયાણાના કરનાલમાં બે કાર વચ્ચે ટક્કર થતાં એક બાળક સહિત 2 લોકોનાં મોત થયાં હતાં. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં દિલ્હીથી વારાણસી જઈ રહેલી ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં અને 15 મુસાફરો ઘાયલ થયા હતા.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાત અને રાજસ્થાનમાં થયેલા અકસ્માતો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

એક જ દિવસમાં અનેક રાજ્યોમાં સર્જાયેલા આ અકસ્માતોએ માર્ગ સલામતી અને વાહનચાલકોની સાવચેતીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે.

આ પણ વાંચો: 26/11 જેવા હુમલાની ધમકીથી ખળભળાટ! 300 લોકોને મારવાની ચેતવણી, બે સ્થળો નિશાના પર