હૈદરાબાદ પોલીસને 21 નવેમ્બરે એક ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. ઈમેઇલમાં મોકલનારે પોતાને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો ગણાવ્યો હતો. તેમાં 26 નવેમ્બર, 2008ના મુંબઈ આતંકી હુમલા જેવી જ ઘટના હૈદરાબાદમાં કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં ઓછામાં ઓછા 300 લોકોનાં મોત થશે. આ ધમકીમાં કાચીગુડા રેલવે સ્ટેશન અને તેની નજીક આવેલી હોટેલ ટુરિસ્ટ પ્લાઝાનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બે સ્થળો પર સુરક્ષા વધારી

ધમકી મળ્યા બાદ હૈદરાબાદ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે શહેરના પોલીસ અધિકારીઓને એલર્ટ કર્યા હતા. ખાસ કરીને ઈમેઇલમાં નામ આપવામાં આવેલા બંને સ્થળો પર સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરનાં અન્ય સંવેદનશીલ સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટેલ, ધાર્મિક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને મહત્ત્વનાં સરકારી સ્થળોનો સમાવેશ થાય છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને બિનવારસી વસ્તુઓ પર નજર રાખવા સાથે પેટ્રોલિંગ વધાર્યું છે. શંકાસ્પદ સ્થળોએ બોમ્બ વિરોધી તપાસ પણ કરવામાં આવી છે.

લશ્કરના નામે ધમકી, બદલો લેવાનો દાવો

ઈમેઇલમાં મોકલનારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાણ હોવાનો દાવો કર્યો હતો. તેણે લતીફ ભટ્ટ અને તેના સાથીઓનાં ભારતીય સેનાના હાથે મોતનો બદલો લેવાની વાત પણ લખી હતી. જોકે, આ ઈમેઇલ ખરેખર લશ્કર-એ-તૈયબા દ્વારા મોકલવામાં આવ્યો છે કે કોઈએ સંગઠનના નામનો ઉપયોગ કરીને ધમકી આપી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ ઈમેઇલ મોકલનારની ઓળખ અને તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના PTI આધારિત અહેવાલ મુજબ, પોલીસના એક અધિકારીએ આ ઈમેઇલ પ્રાથમિક રીતે બનાવટી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, તપાસ ચાલુ છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પોલીસની નાગરિકોને અપીલ

હૈદરાબાદ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ચકાસ્યા વગરના સંદેશા કે ધમકી અંગેની અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા પણ જણાવ્યું છે.

જો કોઈને શંકાસ્પદ વ્યક્તિ કે બિનવારસી વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને 112 નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે નાગરિકોની સુરક્ષા માટે શહેરમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: India News : DIG ભુલ્લર કેસમાં EDની મોટી કાર્યવાહી, પંજાબના નિવૃત્ત IAS અને IPS સહિત અનેક અધિકારીઓને સમન્સ