પંજાબમાં સસ્પેન્ડેડ DIG હરચરણ સિંહ ભુલ્લર સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. EDએ પંજાબના અનેક વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં છે. સમન્સ મેળવનારાઓમાં IAS, IPS અને PCS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓની પૂછપરછ ચંડીગઢ સ્થિત EDની ઓફિસમાં કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ED આ કેસમાં હરચરણ સિંહ ભુલ્લરના નજીકના સહયોગી કૃષ્ણાનુ શારદા સાથે વિવિધ અધિકારીઓના કથિત સંબંધોની તપાસ કરી રહી છે. આ કેસમાં શારદાની અગાઉ ધરપકડ કરવામાં આવી છે.

મની લોન્ડરિંગના પાસાંની તપાસ શરૂ કરી હતી

EDએ પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી સચિવ IAS અધિકારી કુમાર રાહુલને 23 નવેમ્બરે હાજર થવા જણાવ્યું છે. તેઓ 2000 બેચના IAS અધિકારી છે. નિવૃત્ત અધિકારી ગુરપ્રીત સાપરા 2005 બેચના PCS અધિકારી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે જલંધરના કમિશનર તરીકે કાર્યરત હતા. જ્યારે અરુણ સેખરી 2004 બેચના PCS અધિકારી રહી ચૂક્યા છે. તેઓ ફરીદકોટ, ફિરોઝપુર અને જલંધરના ડિવિઝનલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સમગ્ર કેસની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. EDએ બે CBI FIRના આધારે મની લોન્ડરિંગના પાસાંની તપાસ શરૂ કરી હતી.

EDની પૂછપરછ તપાસનો એક ભાગ છે

આ FIRમાં હરચરણ સિંહ ભુલ્લર અને તેમના સહયોગીઓ સામે લાંચ લેવાના તેમજ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના આરોપો છે. આ કેસમાં ભુલ્લર તે સમયે રોપડ રેન્જના DIG તરીકે ફરજ બજાવતા હતા. ઓક્ટોબર 2025માં CBIએ તેમની ધરપકડ કરી હતી. એક વેપારીએ આરોપ લગાવ્યો હતો કે એક કેસનો નિકાલ કરાવવા માટે વચેટિયા મારફતે તેમની પાસે લાંચની માગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે CBIએ કાર્યવાહી કરી હતી. હવે ED આ કેસમાં નાણાકીય વ્યવહારો અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા પાસાંની તપાસ કરી રહી છે. આ જ તપાસના ભાગરૂપે પંજાબના વર્તમાન અને નિવૃત્ત IAS, IPS તથા અન્ય અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, સમન્સ પાઠવવાનો અર્થ સંબંધિત અધિકારીઓ ગુનામાં સંડોવાયેલા હોવાનું સાબિત થતું નથી. EDની પૂછપરછ તપાસનો એક ભાગ છે.

આ પણ વાંચોઃ PM Modi Speech: ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકરોની ભૂમિકા ઓછી નથી