ઉત્તરાખંડના દેહરાદૂન-ઋષિકેશ હાઈવે (NH-07) પર મણિમાઈ મંદિર પાસે બુધવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને વાહનમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ઈકો કારને ભારે નુકસાન થયું

મળતી માહિતી મુજબ, મારુતિ ઈકો કારમાં સવાર 7 લોકો દેહરાદૂનથી રોહતક તરફ જઈ રહ્યા હતા. મણિમાઈ મંદિર પાસે પહોંચતા ઈકો કાર રસ્તાની બાજુમાં ઊભેલા મહિન્દ્રા મેક્સ વાહન સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા.

અકસ્મતમાં કારના ડ્રાઈવર સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ રીતે અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચાર થઈ છે. અન્ય ત્રણ ઘાયલોની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો

અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર સામાન્ય કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં રસ્તાની બાજુમાં ઊભેલા વાહન સાથે ઈકો કારની ટક્કર અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Telegram યુઝર્સ માટે મોટી જાહેરાત, હવે ફ્રીમાં બની શકશે પોતાની વેબસાઈટ!