દિલ્હીમાં ફરી એક વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અલગ અલગ જગ્યાઓ પર આશરે પાંચથી છ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકી મળી છે. સાવચેતીના પગલા રૂપે શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે.
ફરી 6 સ્કૂલોને મળી બોમ્બની ઉડાવી દેવાની ધમકી
રાજધાની દિલ્હીની સ્કૂલોને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.મળતી માહિતી પ્રમાણે દિલ્હીની દ્વારકા સેક્ટર-5 અને પ્રસાદ નગર સહિત પાંચ સ્કૂલોને ઇમેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. સૂચના મળતા જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના પગલા તરીકે શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે.બાળકોને હાલ ઘરે પાછાં મોકલી આપવામાં આવ્યા છે. દિલ્હી ફાયર બ્રિગેડ મુજબ દિલ્હીની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યાર બાદ દિલ્હી પોલીસ અને ફાયરની ટીમ હાલ સ્થળ પર હાજર છે.
આ પહેલાં 55 સ્કૂલોને મળી હતી ધમકી
રાજધાની દિલ્હીની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો હજુ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો. આ પહેલાં પણ દિલ્હીની 55થી પણ વધારે સ્કૂલોને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત રાહુલ મોડલ સ્કૂલ અને મેક્સ ફોર્ટ સ્કૂલ, માલવીય નગર સ્થિત એસકેવી અને પ્રસાદ નગર સ્થિત આંધ્રા સ્કૂલ સામેલ છે. પોલીસ અન્ય આપાતકાલીન એજન્સીઓએ એ સમયે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પરંતુ સ્કૂલમાંથી કોઇ એવું સંદિગ્ધ વસ્તુ નહોતી મળી. મળતી માહિતી પ્રમાણે જે ધમકી આપી રહ્યો છે. તે વીપીએનનો ઉપયોગ કરે છે.