દિલ્હીમાં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. ક્રેમલિને આ બેઠકની પુષ્ટિ કરતા ભારતને રશિયાનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે.
રચનાત્મક ચર્ચા થઈ શકે
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચેના સંબંધો ખૂબ નજીકના અને વ્યવહારુ છે. વૈશ્વિક એજન્ડા અને બંને દેશો વચ્ચેના સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખુલ્લી અને રચનાત્મક ચર્ચા થઈ શકે છે.
બ્રિક્સને લઈને રશિયાએ શું કહી દીધું?
પેસ્કોવે બ્રિક્સને કોઈ ઔપચારિક સંગઠન નહીં પરંતુ સમાન વિચારધારા ધરાવતા દેશોનું ક્લબ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે બ્રિક્સમાં રાજકારણ અને સુરક્ષા, અર્થતંત્ર અને નાણાં તેમજ સાંસ્કૃતિક અને માનવીય સંપર્ક જેવા 3 મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રશિયા બ્રિક્સમાં વધુ દેશોને અલગ-અલગ સહયોગના માધ્યમોથી જોડવાના વિચારને પણ સમર્થન આપે છે.
અમેરિકાના પ્રતિબંધો પર રશિયાનો આકરો જવાબ
ભારત દ્વારા રશિયન ઊર્જાની ખરીદીના મુદ્દે અમેરિકાના સંભવિત પ્રતિબંધો અંગે પેસ્કોવે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે આવા પ્રતિબંધ સંબંધિત પ્રસ્તાવોને ગેરકાયદેસર અને અસ્વીકાર્ય ગણાવ્યા હતા. પેસ્કોવના જણાવ્યા મુજબ બ્રિક્સ માત્ર આર્થિક સમૂહ નથી, પરંતુ બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થાની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે.
નવા પરમાણુ પ્લાન્ટ પર પણ થઈ શકે છે વાત
ભારત અને રશિયા વચ્ચે નવા પરમાણુ ઊર્જા સંયંત્ર સ્થાપવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પેસ્કોવે જણાવ્યું હતું કે બંને દેશો આ ક્ષેત્રમાં આગળની પ્રગતિની રાહ જોઈ રહ્યા છે.
યુદ્ધથી લઈને SU-57 સુધી કયા મુદ્દા એજન્ડામાં?
મોદી અને પુતિન વચ્ચેની બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને શાંતિ પ્રયાસો પણ ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. ભારત સતત સંવાદ અને કૂટનીતિ દ્વારા યુદ્ધના ઉકેલ પર ભાર મૂકી રહ્યું છે. આ ઉપરાંત ભારતને રશિયાના અત્યાધુનિક SU-57 લડાકુ વિમાનોના વેચાણનો મુદ્દો પણ બંને દેશો વચ્ચેની ચર્ચાના એજન્ડામાં સામેલ હોવાનું પેસ્કોવે જણાવ્યું છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?