પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટે 2018ના માનહાનિ (Defamation) કેસમાં તેમની સામે જામીનપાત્ર વોરંટ (Bailable Warrant) જારી કર્યું છે. આ કાર્યવાહી વિકાસ સાંકૃત્યાયન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે.
શું છે માનહાનિ કેસનો આખો મામલો?
'લાઈવ લો' ના અહેવાલ મુજબ, ફરિયાદી વિકાસ સાંકૃત્યાયનનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ "ભાજપ આઈટી સેલ ભાગ II" (BJP IT Cell Part II) શીર્ષક હેઠળ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ફરિયાદીનો દાવો છે કે આ વિડીયોમાં તેમના પર અનેક ખોટા, પાયાવિહોણા અને તેમની છબી ખરડાતાં બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા.
સાકેત કોર્ટે કેમ જારી કર્યું જામીનપાત્ર વોરંટ?
સાકેત કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ જૈને આ કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે ધ્રુવ રાઠીને પહેલા નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ જે સરનામે નોટિસ મોકલાઈ હતી તે ઘર લોક (બંધ) હાલતમાં મળ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કોર્ટે નવું સમન્સ જારી કર્યું હતું. મૂળભૂત રીતે આ કેસની સુનાવણી ૨૦ નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ તારીખ આગળ વધારવા વિનંતી કરી હતી.
ફરિયાદીની દલીલ અને ભારતમાં ધ્રુવ રાઠીની હાજરી
ફરિયાદીએ કોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે જર્મનીમાં વસે છે, પરંતુ તાજેતરમાં તેઓ "CJP (કોકરોચ જનતા પાર્ટી) વિરોધ પ્રદર્શન" ના સંદર્ભમાં ભારતમાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિદેશમાં રહેવાના કારણે જ આ કેસમાં સમન્સની બજવણી છેલ્લા ઘણા વર્ષોથી અટકેલી હતી. ફરિયાદીએ કોર્ટને જણાવ્યું કે તેઓ હરિયાણામાં ધ્રુવ રાઠીના સરનામા વિશે જાણે છે, જેથી નોટિસ ઝડપથી બજાવી શકાય. હવે આ કેસની આગામી સુનાવણી 31 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
ભારત છોડી લંડન પહોંચ્યા ધ્રુવ રાઠી: આંતરરાષ્ટ્રીય વિરોધનું આહ્વાન
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે ધ્રુવ રાઠી 10 ઓક્ટોબરે ભારત આવ્યા હતા. જોકે, હવે તેઓ દેશ છોડીને લંડન પહોંચી ગયા છે. લંડન પહોંચીને તેમણે 'મત ચોરી' સામેના વિરોધ પ્રદર્શનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું આહ્વાન કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ લંડનમાં ભારતના ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.
આ પણ વાંચો : Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ