રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત ચિંતાજનક બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાને ડામવા માટે દિલ્હી સરકારે એક અત્યંત કડક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે હવેથી દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ કે ગેસ સ્ટેશન પર માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) વગરના વાહનોને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિયમ આજથી જ સમગ્ર રાજ્યમાં કડક રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.


શું છે નવો નિયમ?

સરકારના જણાવ્યા અનુસાર, 'નો પીયુસી, નો ફ્યુઅલ' (No PUC, No Fuel) નીતિ હેઠળ હવે વાહનચાલકોએ પેટ્રોલ, ડીઝલ કે CNG ભરાવતા પહેલા પંપ પર પોતાનું માન્ય પીયુસી પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત રહેશે. જો તમારી પાસે વાહનનો 'હેલ્થ રિપોર્ટ' એટલે કે પીયુસી નહીં હોય, તો પંપ સંચાલકો તમને ઇંધણ આપવાનો સીધો ઇનકાર કરી દેશે. આ મામલે સરકાર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.

અમલીકરણ અને તંત્રની સજ્જતા

મુખ્યમંત્રીએ બુધવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ નિયમનો અમલ કરાવવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. ખાદ્ય અને પુરવઠા વિભાગ, પરિવહન વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી ટ્રાફિક પોલીસને સંયુક્ત રીતે આ જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે જો આ નિયમમાં કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે તો જવાબદાર પંપ સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિયમ લાગુ થતા પેટ્રોલ પંપ પર લાગી લાઇનો

નિયમ લાગુ થતાની સાથે જ દિલ્હીના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા વાહનચાલકો પાસે માન્ય સર્ટિફિકેટ ન હોવાને કારણે તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે, જેના કારણે પંપો પર ઘર્ષણ અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવાની ગુણવત્તા સુધારવા માટે જનતાએ આ મુશ્કેલી સહન કરવી પડશે અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને રસ્તા પરથી દૂર કરવા જ પડશે.

નિયમનું ઉલ્લંઘન કરનારને કરાશે દંડ

જે વાહનચાલકો આ નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાશે અથવા ખોટા પ્રમાણપત્રો રજૂ કરશે, તેમના વાહનો જપ્ત કરવામાં આવી શકે છે અને તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે. સરકારનું માનવું છે કે ગયા વર્ષે આ નિયમની જાહેરાત કરવામાં આવી હતી, છતાં ઘણા લોકો ગંભીરતા દાખવી રહ્યા ન હતા, તેથી હવે આ આકરા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.

આ પણ વાંચોઃ UP Mirzapur Accident : મિર્ઝાપુરમાં કાળજું કંપાવી દેનારો ભયાનક અકસ્માત, ચાર વાહનો વચ્ચેની ટક્કરમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત

  • Follow us on: