દેશની રાજધાની દિલ્હીમાં રવિવારની વહેલી સવાર મોતના તાંડવ જેવી સાબિત થઈ હતી. દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી એક ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના જીવતા બળી જવાથી મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૨ જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
આગની ઘટના વહેલી સવારે બની
આ અકસ્માત આજે વહેલી સવારે લગભગ 3.15 વાગ્યે થયો હતો. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ઇમારતમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં તે ચારેય માળમાં ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સવારે 3.35 વાગ્યે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારે ધુમાડાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો, છતાં બચાવ ટીમે ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.
એસી બ્લાસ્ટની આશંકા
પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના નિવેદનો મુજબ, આ આગ એસીમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે લાગી હોવાનું મનાય છે. ગરમીના દિવસોમાં ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ગણતરીની મિનિટોમાં આખી ઇમારત આગનો ગોળો બની ગઈ હતી. ફોરેન્સિક ટીમ અને ફાયર એક્સપર્ટ્સ હાલમાં ઘટનાસ્થળે નમૂનાઓ એકત્ર કરી રહ્યા છે જેથી આગનું સચોટ કારણ જાણી શકાય.
તંત્રની કાર્યવાહી
શાહદરા જિલ્લાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ ઇમારતનો ખૂણેખૂણો તપાસવામાં આવી રહ્યો છે જેથી કોઈ અંદર ફસાયેલું ન હોય. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે.
ભયનો માહોલ
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ગભરાટનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના સાધનોના અભાવે આવી દુર્ઘટનાઓ જીવલેણ સાબિત થાય છે. હાલમાં ઇમારતને સીલ કરી દેવામાં આવી છે અને ઘાયલોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હી-ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ! ભર ઉનાળે સર્જાશે ચોમાસા જેવો માહોલ