દેશની રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી હોટલમાં બુધવારની વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભીષણ અગ્નિકાંડ સર્જાયો છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આગની લપેટ એટલી ભયાનક હતી કે પોતાનો જીવ બચાવવા માટે કેટલાક લોકોએ હોટેલના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી.
40થી વધારે લોકો સુરક્ષિત બહાર કઢાયા
દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન હોટેલની ઇમારતમાંથી 40 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગવાનું કારણ અકબંધ
સત્તાવાર ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના જણાવ્યા અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના અધિકારીઓએ બચાવ કામગીરી માટે વોટર ટેન્ડર, વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સહિતની અત્યાધુનિક સિસ્ટમ તૈનાત કરી હતી, જેના કારણે હોટેલમાં ફસાયેલા ૩૫થી વધુ લોકોના જીવ બચાવી શકાયા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
હોટલની આ લાપરવાહીથી 21ના મોત
પ્રાથમિક તપાસ અને વહીવટી અહેવાલો મુજબ, આ મોટી હોનારત પાછળ હોટેલ સંચાલકોની પાંચ મોટી લપરવાહીઓ સામે આવી છે, જે સામાન્ય નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે:
6 રૂમની પરવાનગી સામે 25 રૂમનું ગેરકાયદે સામ્રાજ્ય
તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ હોટેલને દિલ્હી સરકાર તરફથી 'બેડ એન્ડ બ્રેકફાસ્ટ' સ્કીમ હેઠળ માત્ર ૬ રૂમ ચલાવવાનું જ લાયસન્સ મળ્યું હતું. પરંતુ, લોભિયા સંચાલકોએ નિયમોને નેવે મૂકીને હોટેલની અંદર ૨૫ રૂમ બનાવી દીધા હતા. એટલું જ નહીં, સુરક્ષાના માપદંડોને અવગણીને કેટલાક રૂમ તો બેઝમેન્ટ (ભોંયરા) માં પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગનું કોઈ NOC નહોતું
માલવીય નગરની આ હોટેલ અને તેની અંદર ચાલતા રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફ્ટીનું કોઈ કાયદેસર એનઓસી (NoC) નહોતું. દિલ્હી સરકારના ગૃહમંત્રી જ્યારે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે બિલ્ડિંગમાં આગથી બચવાના કાયદેસરના કોઈ જ નિયમો પાળવામાં આવ્યા નહોતા.
ઈમરજન્સી ગેટ અને ચેનલ પર તાળું મારેલું હતું
આગ લાગી ત્યારે હોટેલના બેઝમેન્ટમાં ચાલતા રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો અને સ્ટાફ હાજર હતા. આગની અફરાતફરી વચ્ચે જ્યારે લોકો બહાર ભાગવા ગયા, ત્યારે બહાર નીકળવાના મુખ્ય ચેનલ ગેટ પર તાળું મારેલું હતું. આ એક ગંભીર ભૂલના કારણે લોકો અંદર જ ફસાઈ ગયા અને ધુમાડા તેમજ આગની લપેટમાં આવી ગયા.
એમ્બ્યુલન્સ પહોંચવામાં ભારે વિલંબ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગની માહિતી મળ્યાના ૧૦ મિનિટમાં ફાયર ફાયટર્સ તો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઘણી મોડી આવી હતી. ગંભીર રીતે દાઝેલા લોકોને તાત્કાલિક મેડિકલ સારવાર ન મળવાને કારણે પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ કેટલાક લોકોએ દમ તોડી દીધો હતો. અંતે સ્થાનિક લોકોએ જ પોતાની રીતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
બાંધકામ કે વ્યવસાયની કોઈ યોગ્ય પરમિશન નહોતી
આ હોટેલ અને રેસ્ટોરન્ટના બાંધકામ માટે સ્થાનિક વહીવટીતંત્ર કે સંબંધિત સરકારી વિભાગો પાસેથી કોઈ કાયદેસર મંજૂરી લેવામાં આવી નહોતી. ઇમારતમાં આગ ઓલવવા માટેના પ્રાથમિક સાધનો (Fire Safety Equipment) પણ ગેરહાજર હતા, જેના કારણે શરૂઆતના તબક્કે આગ પર કાબૂ મેળવવો અશક્ય બની ગયો હતો અને આટલી મોટી જાનહાનિ થઈ.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?