દિલ્હીના જાણીતા ગાંધીનગર માર્કેટમાં રવિવારે બપોરે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ભટૂરે વાળી ગલીમાં આવેલી એક કપડાંની દુકાન અને તેની ઉપરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગ એટલી વિકરાળ હતી કે ઇમારતની એક બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી, જ્યારે બીજી બારીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
બપોરે 2 વાગ્યે લાગી આગ, ધુમાડાથી વિસ્તારમાં દોડધામ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે આશરે 2 વાગ્યે ગીતા કોલોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી ભટૂરે વાળી ગલીમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસને એક પછી એક અનેક ફોન કોલ મળ્યા હતા.
શરૂઆતમાં બે ફાયર ટેન્ડર, એક વોટર ટેન્કર અને એક નાનું ફાયર રેસ્ક્યૂ વાહન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. જોકે, આગ વધુ વિકરાળ બનતાં તેને કાબૂમાં લેવા માટે વધારાનાં ફાયર ફાઇટિંગ સાધનો અને ગાડીઓ પણ મોકલવામાં આવી હતી.
https://x.com/ANI/status/2126971283607036037?a=5C7DsSjdnQY4RAE7t5g&s=20
ગોડાઉનમાં કપડાંનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ
જે દુકાનમાં આગ લાગી હતી તેની ઉપર જ કપડાંનો જથ્થો રાખવામાં આવેલો ગોડાઉન હતું. કપડાંના મોટા જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ વ્યક્તિના મૃત્યુ કે ઈજાના સમાચાર નથી.
23 નવેમ્બરે પણ ગાંધીનગર માર્કેટમાં લાગી હતી આગ
ગાંધીનગર માર્કેટમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં 23 નવેમ્બરે પણ આ વિસ્તારમાં આવેલી રેડીમેડ કપડાંની દુકાનમાં આગ લાગી હતી. નેહરુ ગલીમાં આવેલી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનમાં આગ લાગવાની જાણ સવારે 8:56 વાગ્યે ફાયર વિભાગને કરવામાં આવી હતી. શરૂઆતમાં આઠ ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
લગભગ 35 ગજ વિસ્તારમાં બનેલી આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ઉપરના ત્રણ માળ હતા. ફાયર વિભાગે સવારે 10:10 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને 10:20 વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ પણ વાંચો:Jio Recharge: દિવસે ડેટા ખતમ થવાની ચિંતા છોડો! રૂ.50ના આ પ્લાનની ખાસિયત જાણીને ચોંકી જશો!