દિલ્હીને કચરાના વિશાળ પહાડોથી મુક્ત કરવાની દિશામાં સરકારે મોટી પ્રગતિ કરી હોવાનો દાવો કર્યો છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ ઓખલા, ભલસ્વા અને ગાઝીપુરની ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઈટ્સ પર અત્યાર સુધીમાં આશરે 2.16 કરોડ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરીના પરિણામે લગભગ 100 એકર જમીન રિક્લેમ કરવામાં આવી છે.

કચરાના પહાડો દિલ્હીના લોકો માટે મોટી સમસ્યા રહ્યા

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે વર્ષોથી કચરાના પહાડો દિલ્હીના લોકો માટે મોટી સમસ્યા રહ્યા છે. સરકારે આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક રોડમેપ, સમર્પિત પ્રયાસો અને સમયબદ્ધ કામગીરી અપનાવી છે. સરકારનું ધ્યાન માત્ર જૂના કચરાને દૂર કરવા પર નહીં, પરંતુ ભવિષ્યમાં નવા કચરાના પહાડો ન બને તે માટે જરૂરી માળખું તૈયાર કરવા પર પણ છે.

ઓખલામાં 35 એકર જમીન રિક્લેમ કરાઈ

સરકારના આંકડા પ્રમાણે, ઓખલા લેન્ડફિલ પર આશરે 70 લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરીને 35 એકર જમીન રિક્લેમ કરવામાં આવી છે. જ્યારે ભલસ્વામાં 1.02 કરોડ મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરીને 45 એકર જમીન મુક્ત કરવામાં આવી છે. ગાઝીપુરમાં પણ 44 લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરીને 20 એકર જમીન રિક્લેમ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કચરાના પહાડો હટાવવાથી માત્ર લેન્ડફિલ વિસ્તારોમાં જ નહીં, પરંતુ આસપાસ રહેતા લોકોને પણ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહ્યું છે.

ગાઝીપુરમાં કચરાના પ્રોસેસિંગ બાદ મળતા ઈનર્ટ મટિરિયલનો ઉપયોગ નીચાણવાળા વિસ્તારોના ભરાવ તથા રસ્તાઓના બેઝ તૈયાર કરવામાં થઈ રહ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં ચાર નવા વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ સ્થાપવાની તૈયારી પણ પૂર્ણ કરવામાં આવી છે. સરકારનો હેતુ રોજ ઉત્પન્ન થતા કચરાનું તે જ ગતિએ વૈજ્ઞાનિક પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવાનો છે, જેથી ભવિષ્યમાં નવા કચરાના પહાડો ન બને.

આ પણ વાંચો : Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,'મેડ ઈન ચાઈના' કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ