નવી દિલ્હીમાં સંભવિત આતંકી ખતરને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક બનાવી દીધી છે. શનિવારે મળેલી માહિતી અનુસાર, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ ભાજપના હેડક્વાર્ટર સહિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને આસપાસના વિસ્તારોમાં વધારાનો સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ બેરિકેડિંગ વધારવામાં આવી છે અને વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ
સુરક્ષા એજન્સીઓને એવી માહિતી મળી છે કે મધ્ય દિલ્હીની મહત્વપૂર્ણ કચેરીઓ અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ શકે છે. સંભવિત હુમલાઓમાં આત્મઘાતી હુમલો, વાહન આધારિત IED બ્લાસ્ટ, ગોળીબાર અથવા સંકલિત હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સરકારી ઈમારતો, રાજકીય કચેરીઓ, બજારો, ટ્રાન્સપોર્ટ હબ અને અન્ય જાહેર સ્થળોએ એન્ટી-સબોટેજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરભરમાં સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.
પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો
બોમ્બ સ્ક્વોડ, સ્નિફર ડોગ યુનિટ અને ક્વિક રિએક્શન ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. સાથે જ દિલ્હી ફાયર વિભાગને પણ કોઈપણ પરિસ્થિતિ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. રાજધાનીમાં વધારેલી સુરક્ષાને કારણે અનેક વિસ્તારોમાં ચકાસણી અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Agni Missile Test : ભારતને મળી મોટી સફળતા, DRDOએ નવી 'અગ્નિ મિસાઈલ'નું ઓડિશામાં કર્યું સફળ પરીક્ષણ