DRDOએ દેશની રક્ષા ક્ષમતામાં એક મોટો ઈતિહાસ રચ્યો છે. ઓડિશાના Dr. A.P.J. અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી ‘અગ્નિ’ મિસાઈલના એક અદ્યતન વર્ઝનનું સફળ ફ્લાઈટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ખાસ એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ મિસાઈલ હવે MIRV ટેક્નોલોજીથી સજ્જ છે.

https://twitter.com/DefenceMinIndia/status/2053068042134081741


તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા

આ ટેક્નોલોજીનો અર્થ એ થાય છે કે એક જ મિસાઈલ પોતાના ઉડાન દરમિયાન એક સાથે અનેક અલગ અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને તેમને નષ્ટ કરી શકે છે. પરીક્ષણ દરમિયાન મિસાઇલ સાથે અનેક પેલોડ્સ (હથિયારો) મોકલવામાં આવ્યા હતા અને તેણે હિંદ મહાસાગર વિસ્તારમાં નક્કી કરાયેલા તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક એક જ સમયે ભેદી નાખ્યા હતા. જમીન અને સમુદ્રમાં તૈનાત ટ્રેકિંગ સિસ્ટમ્સે સમગ્ર મિસાઈલ ફ્લાઈટ પર સતત નજર રાખી હતી. મળેલા ડેટા મુજબ આ પરીક્ષણ 100% સફળ રહ્યું છે અને તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા છે.

'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

આ પ્રોજેક્ટ DRDOની વિવિધ લેબોરેટરીઓ અને દેશના ઉદ્યોગો સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે, જે 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પરીક્ષણ દરમિયાન DRDOના વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓએ તેની ક્ષમતાની પ્રશંસા કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ બદલ DRDO, ભારતીય સેના અને જોડાયેલા ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ સિદ્ધિ ભારતની રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને દેશને વધુ સુરક્ષિત તથા શક્તિશાળી બનાવશે.

આ પણ વાંચો : Tamilnadu Government Formation : VCK-IUMLએ TVKને આપ્યું સમર્થન, વિજયનો સરકાર બનાવવાનો રસ્તો થયો સાફ