દિલ્હીમાં બનેલી ભયાનક હોટલ આગની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ મામલાના મુખ્ય આરોપી અને હોટલ માલિક લવકેશ બજાજને પોલીસને સોંપવામાં આવ્યો છે. આજે તેને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેની 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.



લવકેશ બજાજની વધુ પૂછપરછ કરવામાં આવશે

પોલીસના જણાવ્યા અનુસાર, હોટલમાં લાગેલી આગના કારણો અને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી સંભવિત બેદરકારી અંગે વધુ તપાસ માટે લવકેશ બજાજની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ હોટલમાં આગ લાગવાના કારણો, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને ઘટનામાં કોઈ ગંભીર ગેરરીતિ થઈ હતી કે કેમ તે અંગે માહિતી એકત્ર કરી રહી છે.

21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં અનેક વિદેશી નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે ઘણા મહેમાનોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. બચાવ અને રાહત કામગીરી દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ

દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં હોટલમાં ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટના બાદ દિલ્હીની અનેક હોટલો અને કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની તપાસ તેજ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી રહી છે. પોલીસ હવે લવકેશ બજાજની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો : Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ



  • Follow us on: