ભારત હવે રક્ષણ ક્ષેત્રે માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું, પરંતુ વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં પોતાની 'હાયપરસોનિક' તાકાતનો પરચો આપી રહ્યું છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન દુનિયાએ ભારતની સ્વદેશી શક્તિ જોઈ છે, પરંતુ હવે DRDO દ્વારા વિકસિત નવી મિસાઈલ LRAShM  રક્ષણ જગતમાં નવા સમીકરણો રચવા જઈ રહી છે.

 LRAShM નું જાહેર પ્રદર્શન કરવામાં આવશે

 સમુદ્રનો નવો રક્ષક આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર હાયપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ LRAShM નું જાહેર પ્રદર્શન કરવામાં આવશે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની હાયપરસોનિક ગતિ છે, એટલે કે તે અવાજની ગતિ કરતાં અનેકગણી ઝડપથી ઉડે છે. માત્ર 15 મિનિટમાં 1500 કિમીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલ દુશ્મનના રડારમાં પકડાયા વગર તેના યુદ્ધજહાજોને પળભરમાં જળસમાધિ આપી શકે છે. હૈદરાબાદ સ્થિત RCI લેબમાં તૈયાર થયેલી આ મિસાઈલ સ્થિર અને ગતિશીલ બંને લક્ષ્યોને ચોકસાઈથી ભેદવામાં સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 'સુદર્શન ચક્ર' સમાન શક્તિની વાત કરી હતી, આ મિસાઈલ તેનો અભિન્ન હિસ્સો છે.

મિસાઈલ ફોર્સનું ગૌરવ વધાર્યુ

આકાશમાંથી ત્રાટકતી આફત LRAShM ની સાથે 'પ્રલય' મિસાઈલ પણ ભારતની મિસાઈલ ફોર્સનું ગૌરવ વધારી રહી છે. 150 થી 500 કિમીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલની સૌથી મોટી ખૂબી તેની દિશા બદલવાની ક્ષમતા છે. ઉડાન દરમિયાન રસ્તો બદલી શકતી હોવાને કારણે દુશ્મનની ઇન્ટરસેપ્ટર મિસાઈલો તેને રોકવામાં નિષ્ફળ રહે છે. તે દુશ્મનના રડાર અને એર સ્ટ્રીપને પળવારમાં તબાહ કરી શકે છે. તેને મોબાઈલ લોન્ચરની મદદથી ગમે ત્યાંથી ફાયર કરી શકાય છે, જે તેને યુદ્ધના મેદાનમાં અત્યંત ઘાતક બનાવે છે.

આત્મનિર્ભર ભારતની નવી ઓળખ

આ બંને મિસાઈલોનું નિર્માણ DRDO દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવ્યું છે. તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ સામગ્રી આયાત કરનારો દેશ નથી, પરંતુ અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવનારો દેશ બની ગયો છે. કર્તવ્ય પથ પર આ મિસાઈલોની 'દહાડ' દુનિયાને સંદેશ આપશે કે ભારત પોતાની સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ અને શક્તિશાળી છે.


  • Follow us on: