દિલ્હીમાંથી આઇએસઆઇએસનો શંકાસ્પદ આતંકી ઝડપાયા બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. દેશભરમાં 12થી વધારે સ્થળો પર દરોડા પાડીને આઠથી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી આફતાબ મુંબઈનો રહેવાસી છે. રાંચીમાં એક શંકાસ્પદ આતંકવાદી અઝહર દાનિશની પણ ધરપકડ કરવામાં આવી છે.
12 સ્થળોએ દરોડા, 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત
મહત્વનું છે કે દિલ્હી પોલીસ, ઝારખંડ ATS અને રાંચી પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ધરપકડ કરવામાં આવી છે.હાલમાં ધરપકડ કરાયેલા તમામ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશભરના વિવિધ રાજ્યોમાં 12 થી વધુ સ્થળોએ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ટીમે વિવિધ સ્થળોએથી કુલ 8 શંકાસ્પદ આતંકવાદીઓને અટકાયતમાં લીધા છે.
રાંચીથી એક શંકાસ્પદની ધરપકડ
ઝારખંડની રાજધાની રાંચીના એક લોજમાંથી એક શંકાસ્પદ ISIS આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ઝારખંડ ATS અને રાંચી પોલીસ સાથે મળીને રાજધાની રાંચીમાં આતંકવાદી જોડાણોને લઈને દરોડા પાડ્યા છે. આનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
રાંચીના લોઅર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇસ્લામ નગરમાંથી એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી સંગઠન સાથે તેના જોડાણના પુરાવા મળ્યા છે. આ પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન ઘણી વાંધાજનક સામગ્રી અને દસ્તાવેજો મળી આવ્યા હોવાની પણ માહિતી છે.
દિલ્હીમાં નોંધાયેલા કેસ આધારે ધરપકડ
રાંચીમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીનું નામ આશાર દાનિશ છે, જે બોકારો જિલ્લાના પેટવારનો રહેવાસી હોવાનું કહેવાય છે. દિલ્હીમાં નોંધાયેલા કેસના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે આતંકવાદી સંગઠનો સાથેના તેના જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
થઇ શકે છે મોટા ખુલાસા
રાંચી પહેલાથી જ આતંકવાદીઓના નેટવર્કનો અડ્ડો બની ચૂક્યું છે. શહેરમાંથી શંકાસ્પદ આતંકવાદીઓની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, શંકાસ્પદ વ્યક્તિ સાથે બીજું કોઈ હતું કે કેમ તે પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે.