અમૃતસર પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી એક મોટી અને ચોંકાવનારી સફળતા હાંસલ કરી છે. પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા સમર્થિત બે ખતરનાક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આ શખ્સોમાં ચાર સગીર અને પાંચ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ જૂથના સભ્યો દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સ્થળે પણ ગયા હતા અને ત્યાં તેમને સ્થાનિક સ્તરે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો, જેમાં પેટ્રોલ બોમ્બ બનાવવાની સામગ્રીનો પણ સમાવેશ થાય છે.
મગ્ર કાવતરા પાછળ ISI હેન્ડલર્સનો હાથ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરા પાછળ પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર્સનો હાથ હતો. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પોલીસે બંને મોડ્યુલના આખા નેટવર્કને તોડી પાડ્યું છે. પ્રથમ મોડ્યુલના સભ્યો રેલવે ટ્રેક ઉપર ગુપ્ત કેમેરા લગાવી રહ્યા હતા અને આ કેમેરાનું લાઈવ ફીડ સરહદ પાર મોકલવાનું આયોજન હતું. આ જાસૂસી પ્રવૃત્તિ માટેનો ખર્ચ હવાલાના માધ્યમથી કરવામાં આવતો હતો, પરંતુ પોલીસે સમયસર બાતમી મેળવીને કેમેરા સાથે આરોપીઓને દબોચી લીધા હતા.
