અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટના મામલે તણાવ યથાવત છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યંત કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરીથી ખોલવી જ પડશે, નહીં તો અમેરિકા દ્વારા એક મોટો અને વિનાશક લશ્કરી હુમલો કરવામાં આવશે. એક તરફ ઈરાન અને ઓમાન વચ્ચે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવા માટે વાટાઘાટો ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પનું આ આક્રમક વલણ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યું છે.

અમેરિકાનો જોરદાર હુમલાની ધમકી

મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો સ્ટ્રેટ નહીં ખુલે તો અમેરિકા જોરદાર હુમલો કરશે અને હુમલા બાદ પણ આ માર્ગને બળજબરીથી ખુલ્લો કરવામાં આવશે. આ સાથે જ તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ કડક પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાનને કોઈપણ સંજોગોમાં અને કિંમતે પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈપણ કરાર માટે આ તેમની પ્રાથમિક શરત રહેશે.

હોર્મુઝ ખોલવા અંગે ચાલી રહી છે વાત

અગાઉના રાષ્ટ્રપતિઓ પર નિશાન સાધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ સમસ્યા છેલ્લા 50 વર્ષથી ચાલી રહી છે અને અગાઉના રાષ્ટ્રપતિઓ ઈચ્છત તો આ મામલો પહેલેથી જ ઉકેલી શક્યા હોત. તેમણે કહ્યું કે હાલમાં રાજદ્વારી પ્રયાસો અને વાતચીતનો માર્ગ પણ ખુલ્લો છે, જેમાં ઈરાન અને ઓમાન વચ્ચે 60 દિવસની કામચલાઉ વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. તેમ છતાં, ટ્રમ્પની આ ધમકી દર્શાવે છે કે તેઓ દરિયાઈ માર્ગને ફરીથી ધમધમતો કરવા માટે લશ્કરી વિકલ્પને હંમેશાં ટેબલ પર રાખે છે. આગામી દિવસોમાં આ મામલે રાજદ્વારી સમજૂતી સધાય છે કે લશ્કરી સંઘર્ષ થાય છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ ચંદ્ર પર મચશે તબાહી! આજે ટકરાશે Elon Musk નું Falcon-9 Rocket