ભારતની આંતરિક સુરક્ષાને ખતરામાં મૂકતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનોના નિર્દેશન હેઠળ ભારતમાં હુમલાની યોજના બનાવી રહેલા 6 શંકાસ્પદોને તમિલનાડુમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

કપડાની ફેક્ટરી બની હતી આશ્રયસ્થાન

ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ તમિલનાડુના તિરુપુર જિલ્લામાં આવેલી ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં સામાન્ય મજૂર તરીકે કામ કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ 'સ્લીપર સેલ' તરીકે કામ કરી રહ્યા હતા અને પોતાની ઓળખ છુપાવવા માટે નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમની ધરપકડ ઉથુકુલી, પલ્લદમ અને થિરુમુરુગનપૂંડી જેવા વિસ્તારોમાંથી કરવામાં આવી છે.

ઝડપાયેલા શંકાસ્પદોની વિગતો

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલનો સમાવેશ થાય છે. આ તમામ શંકાસ્પદો લાંબા સમયથી ભારતના અલગ-અલગ ભાગોમાં સક્રિય હોવાની આશંકા છે. તેમની પાસેથી 8 અત્યાધુનિક મોબાઈલ ફોન અને 16 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.

એન્ક્રિપ્ટેડ ચેટ અને વિદેશી હેન્ડલર્સ

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદો વિદેશમાં બેઠેલા તેમના આકાઓ (હેન્ડલર્સ) સાથે સતત સંપર્કમાં હતા. તેઓ સંદેશાવ્યવહાર માટે એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેથી કોઈને શંકા ન જાય. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનાથી તેમના આગામી લક્ષ્યાંકો વિશે માહિતી મળી શકે છે.
આગળની કાર્યવાહી
તમામ 6 શંકાસ્પદોને વધુ પૂછપરછ અને તપાસ માટે દિલ્હી લાવવામાં આવ્યા છે. એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે તેમને ભારતમાં સ્થાનિક સ્તરે કોણ મદદ કરી રહ્યું હતું. આ ઉપરાંત, આ મોડ્યુલ સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ ધરપકડથી આગામી સમયમાં થનારા કોઈ મોટા આતંકી હુમલાને ટાળવામાં મોટી સફળતા મળી છે.