અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યારે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હોય તેમ જણાય છે. રવિવારે વહેલી સવારે પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ તાલિબાન શાસન અત્યંત આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 19 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેનાથી સમગ્ર અફઘાનિસ્તાનમાં રોષની લાગણી ફેલાઈ છે.

એક જ પરિવારના 19 સભ્યોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાની દળોએ અફઘાનિસ્તાનના પક્તિકાસ નંગરહાર અને ખોસ્ત પ્રાંતોને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો હતો. અહેવાલો અનુસાર પક્તિકામાં એક જ પરિવારના 19 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની જનરલો પોતાની આંતરિક સુરક્ષા નિષ્ફળતાઓને છુપાવવા માટે અફઘાનિસ્તાનની જમીન પર નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ ઘટનાને ગંભીરતાને જોતા તાલિબાન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ કાબુલ અને કંદહારમાં હાઇ લેવલ ઇમરજન્સી બેઠકો બોલાવી છે.

તાલિબાનની બદલો લેવાની રણનીતિ

તાલિબાનના ટોચના સૂત્રોનું કહેવું છે કે તેઓ અત્યારે હુમલાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નેતૃત્વએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અફઘાનિસ્તાન પોતાના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સક્ષમ છે અને યોગ્ય સમયે પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. બદલો લેવાનો વિકલ્પ ખુલ્લો છે, તેવા વિધાનોએ સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જી છે. બીજી તરફ, પાકિસ્તાની સૈન્યએ આ હુમલાઓને યોગ્ય ઠેરવતા દાવો કર્યો છે કે તેમણે માત્ર આતંકવાદી માળખાઓ અને છાવણીઓને નિશાન બનાવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમની સરહદમાં થતી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, તાલિબાને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ Delhi : PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી , બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ