મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આજે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સૂચના સુધી દિલ્હીના ૧૧ જેટલા મહત્વપૂર્ણ મેટ્રો સ્ટેશનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
11 મેટ્રો સ્ટેશન રહેશે બંધ
સુરક્ષા કારણોસર જનપથ, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ, લોક કલ્યાણ માર્ગ, INA, ચાવરી બજાર, રામકૃષ્ણ આશ્રમ માર્ગ અને નવી દિલ્હી મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો બંધ રહેશે. જો કે, મુસાફરોની સુવિધા માટે રાજીવ ચોક, મંડી હાઉસ, નવી દિલ્હી અને સેન્ટ્રલ સેક્રેટરીએટ સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (અદલાબદલી) સુવિધાઓ ચાલુ રાખવામાં આવી છે.
વિવિધ આરોપોના વિરોધમાં આંદોલનનુ આહ્વાન
ખાસ સઘન સમીક્ષા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિવિધ આરોપોના વિરોધમાં આ આંદોલનનું આહ્વાન કરવામાં આવ્યું છે. સંભવિત અશાંતિને રોકવા માટે દિલ્હીમાં કલમ ૧૬૩ લાગુ કરી દેવામાં આવી છે અને અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તેમજ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જંતર-મંતર પરિસરમાં દિલ્હી પોલીસના જવાનો, રેપિડ એક્શન ફોર્સ (RAF) ના કર્મચારીઓ અને રમખાણો વિરોધી વિશેષ વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
વિરોધ પ્રદર્શન માટે પરવાનગી નથી આપી
જો કે દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપી નથી, તેમ છતાં વિવિધ વિપક્ષી સંગઠનો, 'ઇન્ડિયા કોએલિશન', ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA), રાજ્યસભાના સાંસદ મનોજ ઝા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની સંભાવના છે. આ પ્રદર્શનમાં આશરે 3000 થી 4000 લોકો ભાગ લે તેવી ધારણા છે. પરવાનગીના અભાવે પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસો કરશે, જેના કારણે સુરક્ષાકર્મીઓ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચોઃ Flydubai plane crash: પ્રતિબંધ છતાં ઓમાની પાઇલટ્સ તેલ અવીવ કેવી રીતે પહોંચ્યા? ઇઝરાયલની બેદરકારીનો ખુલાસો!