દિલ્હી-NCR વિસ્તારમાં એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતાં બે શંકાસ્પદ ISI એજન્ટોની ધરપકડ કરી છે, જે શહેરમાં ગંભીર હુમલાની તૈયારી કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજવીર અને વિવેક બંજારા તરીકે થઈ છે, જે ગ્વાલિયરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને ISI સાથે જોડાયેલા હતા અને પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના ઈશારે કામ કરી રહ્યા હતા.
ગ્રેનેડ હુમલા અને ટાર્ગેટ કિલિંગની યોજના હતી
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દિલ્હી-NCR વિસ્તારમાં ગ્રેનેડ હુમલા અને ટાર્ગેટ કિલિંગ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવા માટે તૈયારી કરી રહ્યા હતા. તેમની પાસેમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી અને પુરાવાઓ પણ મળ્યા છે, જેના આધારે આ કાવતરાની પુષ્ટિ થઈ છે. સ્પેશિયલ સેલ દ્વારા લાંબા સમયથી આ નેટવર્ક પર નજર રાખવામાં આવી રહી હતી. ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી લીધા હતા, જેના કારણે એક મોટી દુર્ઘટના અટકાવવામાં સફળતા મળી છે.













