દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રદર્શનના એક દિવસ પહેલાં દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પોલીસે સામાન્ય જનતાને આ પ્રદર્શનમાં સામેલ ન થવા સ્પષ્ટ સલાહ આપી છે. સાથે જ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત માટે માત્ર 11 લોકોના જૂથને નિયમો મુજબ મંજૂરી આપવા વિચારણા હાથ ધરવામાં આવી છે.
હાઈકોર્ટનો પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આ પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો, જે બાદ તરત જ પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસની તે ખાતરીને રેકોર્ડ પર લીધી હતી, જેમાં કાયદા હેઠળ પ્રદર્શનને નિયંત્રિત કરવાની વાત કહેવામાં આવી હતી. અદાલતે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની માગ સ્વીકારી ન હતી, પરંતુ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસને જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.
https://x.com/DelhiPolice/status/2110782259204899079
લોકોને સ્થળ પર ન પહોંચવા પોલીસની અપીલ
સુનાવણીમાં કેન્દ્ર અને વહીવટીતંત્ર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું કે પ્રદર્શનને નિયંત્રિત કરવા પહેલેથી પગલાં ભરાયાં છે. આ પછી પોલીસે અપીલ કરીને લોકોને સ્થળ પર ન પહોંચવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે કનોટ પ્લેસ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ છે. તેથી કોઈ પણ ઉલ્લંઘન સામે કાનૂની કાર્યવાહી કરાશે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સન્માન તેમજ નિયમો મુજબ જ હોવું જોઈએ.
સીજેપીએ તિરંગો લઈને પહોંચવા માટે લોકોને અપીલ કરી
બીજી તરફ સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેએ 16 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે તિરંગો લઈને સેન્ટ્રલ પાર્ક પહોંચવા માટે લોકોને અપીલ કરી હતી. જોકે પોલીસના 11 લોકો વાળા પ્રસ્તાવ પર પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ
સુરક્ષા અને વ્યવસ્થાની સ્થિતિ જોતાં નવી દિલ્હી નગરપાલિકા પરિષદ એટલે કે એનડીએમસીએ વહીવટી કારણોસર 16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ રાખવાની માહિતી આપી છે. નવી દિલ્હી જિલ્લા ડીસીપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એનડીએમસી દ્વારા પોલીસને પાર્કની આસપાસ કોઈ પણ પ્રકારની ભીડ કે સભા ન થવા દેવા જણાવાયું છે. આ ઉપરાંત કનોટ પ્લેસ અને આસપાસના બજારોના વેપારી સંગઠનોએ પણ સુરક્ષાની માગણી કરતું આવેદનપત્ર સોંપ્યું છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોની મોસમમાં વારંવાર થતા પ્રદર્શનો અને નિયંત્રણોના કારણે તેમના વેપાર પર અસર પડી રહી છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે અત્યંત અનિવાર્ય બની જાય છે.
આ પણ વાંચો : Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?