દિલ્હી પોલીસે સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન સુનાવણી દરમિયાન સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળેલી ધમકીના મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ એટલે કે એનસીઆર નોંધીને તપાસ હાથ ધરી છે.આ બંને નેતાઓને 14 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.બીજી તરફ સીજેપીની લીગલ ટીમે સત્તાના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે.

સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી આપી

દિલ્હી પોલીસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે રવિવારે અજાણ્યા શખ્સો સામે નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.જેમણે સીજેપી આગેવાનો સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીનની સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી આપી હતી.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સીજેપીના લીગલ હેડ રત્ના સિંહે પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે બંને આગેવાનોની કાયદેસર મુક્તિ પ્રક્રિયામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે સંગઠન સાથે જોડાયેલી ચાર જેટલી જામીન અરજીઓને કોઈપણ સ્પષ્ટ કે વ્યાજબી આધાર વિના ફગાવી દેવામાં આવી છે. 

સીજેપીના લીગલ હેડ રત્ના સિંહે દાવો કર્યો

કાનૂની જોગવાઈ અનુસાર એનસીઆર એવા ગુનાઓ માટે નોંધવામાં આવે છે જેમાં પોલીસ મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વિના તપાસ શરૂ કરી શકતી નથી કે વોરંટ વગર આરોપીઓની ધરપકડ પણ કરી શકતી નથી. હાલના તબક્કે ધમકી આપનારા અજાણ્યા તત્ત્વો કે ધમકીભર્યા સંદેશાઓના ચોક્કસ સ્રોત અંગે કોઈ વિગતવાર માહિતી સત્તાવાર રીતે સામે આવી શકી નથી.સીજેપીના લીગલ હેડ રત્ના સિંહે સમગ્ર ઘટનાક્રમની વિગતો આપતાં દાવો કર્યો હતો કે તેઓ જામીનની સુનાવણી માટે સવારે 11 વાગ્યાથી જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર હતા.નિર્ધારિત સમયપત્રક મુજબ આ સુનાવણી બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે એસઇએમ તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ છેક સાંજે 4:42 વાગ્યા સુધી સ્થળ પર પહોંચ્યા નહોતા. 

અજાણી વ્યક્તિ તેમને સતત ગંભીર ધમકીઓ આપે છે

ત્યારબાદ મેજિસ્ટ્રેટે હાજર પક્ષકારોને જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ તેમને સતત ગંભીર ધમકીઓ આપી રહી છે.રત્ના સિંહના જણાવ્યા મુજબ,ત્યારપછી આખી કાર્યવાહી દરમિયાન માત્ર તે ધમકી અંગે જ ચર્ચા ચાલતી રહી હતી અને નેતાઓની મુક્તિની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ છે કે નહીં તે બાબતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. સીજેપીના વકીલોએ આક્ષેપ કર્યો હતો કે જો કોઈ મેજિસ્ટ્રેટને ધમકી આપતું હોય તો તેની સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવા જોઈએ અને આદેશમાં તે ધમકીભર્યા નંબરો નોંધીને વિગતો જાહેર કરવી જોઈએ,પરંતુ તેના બહાને મુખ્ય કેસની જામીન સુનાવણી અટકાવી રાખીને વિલંબ કરવામાં આવી રહ્યો છે.

 તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા 

દિલ્હી પોલીસે જામીન કાર્યવાહીમાં વિલંબ કરવાના તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે અને નિયત કાનૂની પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીજેપી તરફથી રજૂ કરવામાં આવેલા જામીન બોન્ડ નિયમાનુસાર યોગ્ય નહોતા અને ખોટા જામીન બોન્ડને કાયદાકીય રીતે સ્વીકારી શકાય નહીં. પોલીસના જણાવ્યા અનુસાર નિયત પ્રક્રિયાનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. રવિવારે સાંજે એસઇએમે સ્પષ્ટ કર્યું હતું કે આવી ગંભીર ધમકીઓ અને ભારે જોખમ વચ્ચે કામગીરી કરવી શક્ય નથી, જેના કારણે સુનાવણી મોકૂફ રાખવી પડી હતી. હાલ પોલીસ સમગ્ર ધમકી પ્રકરણની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ World News: પાકિસ્તાનમાં 200 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડવાનો પ્રયાસ, હોબાળા બાદ સીલ કરાયુ