દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આ વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે 30 ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. પીતમપુરાની કેશવ રામલીલા સમિતિ દ્વારા આ અનોખી પહેલ હાથ ધરાઈ છે. આયોજકોના જણાવ્યા મુજબ કોકરોચ ગંદકી અને કચરાનું પ્રતીક છે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત અને સ્વચ્છ દિલ્હી અભિયાન અંતર્ગત યોજાઈ રહ્યો છે.
કોકરોચનું પૂતળું બાળવાનો હેતુ અનિષ્ટ પર ઇષ્ટનો વિજય
સમિતિના અધ્યક્ષ અને ભાજપ ધારાસભ્ય અશોક ગોયલે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ નથી. તેમણે જણાવ્યું કે કોકરોચનું પૂતળું બાળવાનો હેતુ અનિષ્ટ પર ઇષ્ટના વિજય સાથે સ્વચ્છતાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો છે.
રાવણની સેનામાં અસુરો વચ્ચે કોકરોચ પણ સામેલ
રામલીલાના મંચન દરમિયાન રાવણની સેનામાં અસુરો વચ્ચે કોકરોચ પણ સામેલ રહેશે. જોકે, આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. સીજેપી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મુદ્દે સરકાર સામે મોરચો મંડાયો છે. આ વિરોધમાં વિપક્ષી દળો અને વિદ્યાર્થી સંગઠનો પણ જોડાયા છે.

સીજેપીએ જુલાઇમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ લીધુ હતુ
આ અગાઉ જુલાઈ મહિનામાં સીજેપીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર આંદોલન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન મંત્રીના રાજીનામા બાદ જ સમાપ્ત થયું હતું. જૂન અને જુલાઈ દરમિયાન આ સંગઠન જંતર-મંતર ખાતે સતત 36 દિવસ સુધી ધરણા પર બેઠું હતું. 20 માર્ચે સંસદ તરફ કૂચ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આખરે દબાણ વધતાં ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ કાઢવાની જાહેરાત
હવે સીજેપીએ 16 ઓક્ટોબરે કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ કાઢવાની જાહેરાત કરી છે, જેના પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આ કૂચ 13 ઓક્ટોબરે તિરંગો લહેરાવવા બદલ પકડાયેલા નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની પાંચ દિવસની અટકાયતના વિરોધમાં છે. વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે. સીજેપી સંયોજકે આ ધરપકડને ગેરકાયદે ગણાવી છે.
આ પણ વાંચો : Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?