દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક વર્ષ પૂર્ણ થવા પર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત આપી છે. કેબિનેટે 242 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી દીધી છે. જેની હેઠળ હોળી અને દિવાળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર માટે 853 રૂપિયાની રકમ DBT દ્વારા લાભાર્થીઓના એકાઉન્ટમાં મોકલવામાં આવશે.


સહાયની રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલાશે

સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશનકાર્ડ ધારકોને મળશે. લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની રકમ સીધી જ DBT દ્વારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રતિ સિલિન્ડર 853 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલવામાં આવશે, જેથી તહેવારના સમયમાં પરિવારનો રાહત મળી શકે.

દિલ્હી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાનો લાભ માત્ર LPG સિલિન્ડર ઉપયોગ કરનારા લોકો સુધી સીમિત નહીં રહે પણ જે લોકો પાઈપલાઈન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ 853 રૂપિયાની સમાન રકમ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય તમામ જરૂરિયાતમંદ પરિવારોને સમાન રાહત આપવાનું છે.

મુખ્યપ્રધાને દિલ્હીના પરિવારોને આપી શુભેચ્છા

કેબિનેટ બેઠક બાદ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ચૂંટણી દરમિયાન કરેલા વાયદાને પૂરા કરવાની દિશામાં એક પગલું છે. સરકારનો દાવો છે કે તહેવારના સમયે ગેસ સિલિન્ડરની કિંમત સામાન્ય લોકોના બજેટ પર અસર પાડે છે, ત્યારે એવા સમયે ફ્રીમાં સિલિન્ડર કે તેની રકમ એકાઉન્ટમાં મોકલીને પરિવારને આર્થિક સહારો આપવામાં આવશે.

દિલ્હી સરકારે આ નિર્ણય પર દિલ્હીના પરિવારોને શુભેચ્છા આપી છે અને કહ્યું છે કે હજુ પણ જનહિતમાં જોડાયેલી કેટલીક યોજનાઓ લાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી લાખો પરિવારોને સીધો લાભ મળશે અને તહેવારની ખુશીઓ વધશે.  

આ પણ વાંચો : Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ


  • Follow us on: