દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રોહિણી સેક્ટર-16માં એક જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે.
બચાવ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ અને અન્ય બચાવ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી બુધવારે સાંજે લગભગ 4:20 વાગ્યે મળી હતી. આ ઘટના રોહિણી સેક્ટર-16માં MCD સ્કૂલ નજીક બની હતી, જ્યાં અચાનક એક મકાન તૂટી પડ્યું હતું. માહિતી મળતા જ ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને ચાર રેસ્ક્યૂ વાહનોને ઘટનાસ્થળે મોકલ્યા. હાલ બચાવકર્મીઓ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. રાહત કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરવામાં આવ્યો છે.
