મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં ફરાર મુખ્ય આરોપી અને પ્રમોટર સૌરભ ચંદ્રાકર પર ભારતીય તપાસ એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. ભારત સરકારના અનુરોધ પર ઓમાનની રોયલ પોલીસે મસ્કતમાંથી સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે નકલી ઈન્ડોનેશિયન પાસપોર્ટના આધારે ગેરકાયદેસર રીતે ઓમાનમાં પ્રવેશ કર્યો હતો. ધરપકડ બાદ હવે ભારત સરકાર તેને દેશમાં પરત લાવવા માટે પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયા આગળ શરૂ કરી છે.

ભારત ક્યારે લાવવામાં આવશે?

પ્રવર્તન નિર્દેશાલય (ED)ના જણાવ્યા મુજબ મહાદેવ એપ મારફતે 5,000 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર કમાણી કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સીઓની વિનંતી પર ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ નોટિસના આધારે ઓમાન પોલીસે કાર્યવાહી કરી હતી. અગાઉ સૌરભ ચંદ્રાકર સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં સૌરભ ચંદ્રાકરને મસ્કતના અલ ખૌદ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તેણે પોતાનો બચાવ કરવા માટે વકીલોની ટીમ પણ નિયુક્ત કરી છે. ઓમાનમાં નકલી પાસપોર્ટ અને ગેરકાયદેસર પ્રવેશના કેસની તપાસ પણ ચાલુ છે. જોકે, તેને ભારત ક્યારે લાવવામાં આવશે તે અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સૌરભ ચંદ્રાકર વર્ષ 2019થી ફરાર હતો

અહેવાલો અનુસાર વર્ષ 2024માં પણ ઈન્ટરપોલના રેડ નોટિસના આધારે UAEમાં તેની અટકાયત કરવામાં આવી હતી. જોકે તે સમયે પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ ન થતાં તેને બાદમાં મુક્ત કરવામાં આવ્યો હતો. તેના સાથી રવિ ઉપ્પલ અંગે પણ UAEમાંથી ફરાર થઈ જવાની માહિતી સામે આવી હતી. સૌરભ ચંદ્રાકર વર્ષ 2019થી ફરાર હતો. તેણે રવિ ઉપ્પલ સાથે મળીને દુબઈથી મહાદેવ ઓનલાઈન બેટિંગ નેટવર્ક શરૂ કર્યું હતું. આ નેટવર્ક પર ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટન, પોકર, કાર્ડ ગેમ્સ તેમજ ચૂંટણી પરિણામો પર ગેરકાયદેસર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાના ગંભીર આરોપો છે.

આ પણ વાંચો : Keralam : વાયનાડ દુર્ઘટના બાદ અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત, કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની આપી ખાતરી