દેશના ખેડૂતોને નકલી, અસ્વીકાર્ય અને નબળા બિયારણના કારણે થતા આર્થિક નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર હવે બિયારણ માફિયાઓ પર કડક સકંજો કસવા માટે એક નવો અને અત્યંત કડક 'સીડ એક્ટ' (Seed Act) લાવવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદાના ડ્રાફ્ટને આખરી ઓપ આપવા અને ખેડૂતોના સીધા સૂચનો (ગ્રાસરૂટ ફીડબેક) મેળવવા માટે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે ૪ વાગ્યે દિલ્હી સ્થિત કૃષિ ભવન ખાતે દેશભરના મુખ્ય ખેડૂત સંગઠનો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજશે.

બિયારણ માફિયાઓ પર સકંજો

આ બેઠકનું મુખ્ય આયોજન નવા કાયદાના મુસદ્દા પર ચર્ચા કરવાનું અને બિયારણ માફિયાઓ સામે એક અત્યંત અસરકારક પારદર્શક સિસ્ટમ ઊભી કરવાનું છે. પ્રસ્તાવિત નવા કાયદાની જોગવાઈઓ મુજબ, જો કોઈ વ્યક્તિ કે કંપની નકલી અથવા ભેળસેળવાળા બિયારણનું વેચાણ કરતા પકડાશે, તો તેને ભારે આર્થિક દંડ તેમજ સખત જેલની સજા કરવામાં આવશે. આ ઉપરાંત, આ કાયદામાં બિયારણની ગુણવત્તા ચકાસવા માટે એક પારદર્શક ટ્રેસિંગ સિસ્ટમ વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવશે, જેથી ખેડૂતોને અસલી અને ગુણવત્તાસભર બિયારણ મળી રહે. સાથે જ આ કાયદા દ્વારા ખેડૂતોના પરંપરાગત બિયારણ અધિકારોનું પણ સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય

આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના સંગઠનો ઉપરાંત ગુજરાતનો ખેડૂત સમાજ, ભારતીય કિસાન યુનિયન (BKU), કર્ણાટક તથા તેલંગાણાના રાયત સંઘ સહિતના વિવિધ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે કાયદો બનાવતા પહેલા જમીની સ્તરે કામ કરતા ખેડૂતો અને તેમના સંગઠનોના મંતવ્યો જાણી શકાય, જેથી બિયારણ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ અને કૌભાંડોને કાયમ માટે ડામી શકાય.

આ પણ વાંચોઃ Pakistan : ગજબ ભાઇ ગજબ! આલુ કે પનીર નહીં અહિંયા મળે છે તમાકુના પરાઠાં, જોઇ લો Video