દિલ્હી સરકારે સરકારી સેવાઓને સમયસર, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે ‘દિલ્હી સેવા વિતરણ અધિકાર અધિનિયમ, 2026’ને અધિસૂચિત કર્યો છે. આ નવો કાયદો વર્ષ 2011ના જૂના કાયદાનું સ્થાન લેશે. હવે નક્કી કરેલી સમયમર્યાદામાં સરકારી સેવા પૂરી ન પાડવામાં આવે અથવા અયોગ્ય કારણોસર અરજી નામંજૂર કરવામાં આવે તો જવાબદાર અધિકારી સામે દંડની કાર્યવાહી થઈ શકશે. કાયદા હેઠળ દરરોજ ₹250ના હિસાબે મહત્તમ ₹5,000 સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

દરેક સરકારી સેવા માટે સમયમર્યાદા નક્કી થશે

નવા કાયદા હેઠળ નાગરિકોને સરકારી સેવાઓ નિર્ધારિત સમયની અંદર મેળવવાનો કાયદેસર અધિકાર મળશે. સરકાર અધિસૂચના દ્વારા કઈ સેવાઓ કાયદાના દાયરામાં આવશે તે નક્કી કરશે. દરેક સેવા માટે મહત્તમ સમયમર્યાદા અને જવાબદાર અધિકારીનું નામ નક્કી કરવામાં આવશે.

જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી 

સંબંધિત સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને અધિસૂચિત સંસ્થાઓને પણ આ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવશે. અરજી લાંબા સમય સુધી પડતર રહે તો જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી થશે.

અરજીનું સ્ટેટસ ઘરે બેઠાં ઓનલાઇન જાણી શકાશે

નવા કાયદા હેઠળ સરકારી સેવાઓ માટે ઓનલાઇન અરજી કરવાની અને તેની સ્થિતિ પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક અરજીને વિશિષ્ટ ઓળખ નંબર આપવામાં આવશે. આ નંબરની મદદથી નાગરિકો પોતાની અરજીનું સ્ટેટસ ઓનલાઇન જાણી શકશે.

અરજીઓનો ડિજિટલ રેકોર્ડ રાખવો પડશે 

વિભાગોએ તમામ અરજીઓનો ડિજિટલ રેકોર્ડ રાખવો પડશે અને અરજીની સ્થિતિ નિયમિત રીતે અપડેટ કરવી પડશે. અરજી નામંજૂર કરવામાં આવે તો તેનું કારણ લેખિતમાં આપવાની જવાબદારી પણ સંબંધિત અધિકારીની રહેશે.

સમયમર્યાદા પૂરી થતાં આપમેળે અપીલની વ્યવસ્થા

આ કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈમાં આપમેળે અપીલની વ્યવસ્થા સામેલ છે. જો નિયુક્ત અધિકારી નિર્ધારિત સમયમર્યાદામાં સેવા પૂરી નહીં પાડે તો મૂળ અરજીને જ નાગરિક ફરિયાદ નિવારણ સત્તા સમક્ષ અપીલ તરીકે ગણવામાં આવશે.

અલગથી અપીલ કરવાની જરૂર નહીં રહે

આથી નાગરિકે માત્ર વિલંબના કારણે અલગથી અપીલ કરવાની જરૂર નહીં રહે. દરેક વિભાગમાં એક અધિકારીને નાગરિક ફરિયાદ નિવારણ સત્તા તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સત્તા સેવા પૂરી પાડવાનો આદેશ આપી શકશે અને વિલંબ માટે જવાબદારી પણ નક્કી કરશે.

30 દિવસમાં અપીલનો નિકાલ કરવો પડશે

નવા કાયદા મુજબ અપીલનો સામાન્ય રીતે 30 દિવસની અંદર નિકાલ કરવો પડશે. જો ફરિયાદ નિવારણ સત્તા નિર્ધારિત સમયમાં નિર્ણય નહીં લે તો મામલો આપમેળે દિલ્હી સેવા અધિકાર આયોગ સુધી પહોંચશે.

સરકારી પ્રક્રિયાઓમાં સુધારા સૂચવવાની સત્તા

આયોગ બીજી અપીલોની સુનાવણી કરવાની સાથે કાયદાના અમલીકરણ પર નજર રાખશે. તેને સરકારી કચેરીઓનું નિરીક્ષણ કરવા, વિભાગીય કાર્યવાહી માટે ભલામણ કરવા અને સરકારી પ્રક્રિયાઓમાં સુધારા સૂચવવાની સત્તા પણ આપવામાં આવી છે.   


આ પણ વાંચો :    Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા