દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં ખાલી સ્લીપર બસમાં 16 વર્ષની સગીર વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો. આ ક્રૂર ઘટના ગત 4 ઓગસ્ટની રાત્રે બની હતી. પોલીસે આ પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી કરીને બસના ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી લીધી છે.

11માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી પર કર્યો ગેંગરેપ

પ્રાપ્ત માહિતી મુજબ, પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની વતની છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે પોતાના પરિવારથી નારાજ થઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને નોઈડા સ્થિત પોતાના પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી. ભારે વરસાદ અને રાત્રિના અંધકારને કારણે તે ભૂલથી પરી ચોક પર ઉતરી ગઈ હતી. તે જ સમયે ત્યાંથી એક ખાલી સ્લીપર બસ પસાર થઈ રહી હતી.

વિદ્યાર્થીનીને એકલી જોઇ લાભ ઉઠાવ્યો

વિદ્યાર્થીનીએ બસને રોકવાનો સંકેત આપ્યો અને ડ્રાઇવર-કંડક્ટરે તેને નોઈડા સેક્ટર 63 તરફ જવાનું કહીને બસમાં બેસાડી. પરંતુ બસ થોડે આગળ વધ્યા બાદ જ કંડક્ટરે સગીરા સાથે અભદ્ર વર્તન શરૂ કરી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ, ડ્રાઇવર અને કંડક્ટરે ચાલતી બસમાં તેની પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો અને જો તે બૂમાબૂમ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પાશવી કૃત્ય આચર્યા બાદ આરોપીઓએ મોડી રાત્રે કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર તેને ઉતારી દીધી અને ફરાર થઈ ગયા.

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

ડરના માહોલમાં પણ ગભરાયા વગર પીડિતાએ તાત્કાલિક કાશ્મીરી ગેટ પોલીસનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને તિમારપુરના બસ પાર્કિંગમાંથી બંને આરોપીઓને દબોચી લીધા અને ગુનામાં વપરાયેલી સ્લીપર બસ પણ કબજે કરી લીધી છે.

વારંવાર બનતી ઘટનાઓ સામે સવાલ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ક્રૂરતા અંદાજે 47 કિલોમીટરની મુસાફરી દરમિયાન થઈ હતી. બસ સ્લીપર ટાઈપ હોવાથી અને અંદર પડદા બંધ હોવાને કારણે બહારના લોકોને આ ઘટનાની કોઈ ભનક લાગી શકી નહીં. દિલ્હીમાં અગાઉ પણ બનેલી આવી ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

આ પણ વાંચોઃ America નો ઈરાનના ખાર્ગ ટાપુ પર મોટો હુમલો, ઇરાનના ઓઇલ કિલ્લાને કર્યો તબાહ