દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીના પિતા પર હુમલો કર્યાના આરોપમાં કાર્યકર સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી કસ્ટડીમાં લીધો હોવાની માહિતી સામે આવી છે. આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે CJPના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવારે દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શન બાદ પોલીસે 72 કલાકની અંદર સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. માહિતી મુજબ, કસ્ટડીમાં લીધા બાદ આરોપીને બુલંદશહેરના ચોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઇન્ટરવ્યૂ વાયરલ થતાં મામલો ગરમાયો
આ સમગ્ર વિવાદ સ્વતંત્ર ભારદ્વાજના એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયા બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં તેણે જુલાઈ મહિનામાં જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કર્યાનો દાવો કર્યો હોવાનું જણાવાયું છે.
