કેન્સરની સારવારમાં ઉપયોગી દવાઓના ઊંચા ભાવને લઈને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે દવાની કિંમતમાં રહેલા મોટા તફાવત પર સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટ સમક્ષ એવી માહિતી રજૂ થઈ કે રિટેલરને જે દવા આશરે 2,700 રૂપિયામાં મળે છે, તેના પર 27,000 રૂપિયાની MRP છાપવામાં આવી છે.

2,700ની દવા સીધી 27,000માં

દવાની ખરીદી કિંમત અને MRP વચ્ચેના આશરે 10 ગણાના તફાવતને લઈને કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે દર્દીઓ પાસેથી આટલી મોટી રકમ વસૂલવા અંગે સવાલ ઉઠાવતા તેને ‘દિવસદહાડે ડકૈતી’ સમાન ગણાવી હતી.

બેન્ચે ગંભીર ચિંતા વ્યક્ત કરી

કોર્ટે સવાલ કર્યો હતો કે સારવાર માટે મજબૂર દર્દી સાથે આ પ્રકારની કિંમતની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? જીવન બચાવવા માટે દવા લેતા દર્દીઓ પર પડતા આર્થિક બોજ અંગે પણ બેન્ચે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

અધિકારીઓની ચુપ્પી પર પણ સવાલ

સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતોમાં આટલો મોટો તફાવત હોવા છતાં સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. દવાના ભાવની દેખરેખ અને નિયમન કરતી વ્યવસ્થા હોવા છતાં આવી કિંમત કેવી રીતે નક્કી થઈ શકે તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો.

સરકારી યોજનાઓમાં પણ ભાવનો મુદ્દો

કોર્ટ સમક્ષ આયુષ્માન ભારત જેવી સરકારી આરોગ્ય યોજનાઓ સાથે જોડાયેલા દવાના ભાવનો મુદ્દો પણ આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો કે કેટલીક સ્થિતિમાં હોસ્પિટલ અથવા સંસ્થા દવા ઓછા ભાવે ખરીદે અને સરકાર પાસેથી વધુ દરે રિઇમ્બર્સમેન્ટ મેળવતી હોય તો જાહેર નાણાં પર વધારાનો બોજ પડી શકે છે.આ પ્રકારની વ્યવસ્થામાં પારદર્શિતા અને દવાના વાસ્તવિક ભાવ વચ્ચેના તફાવતની તપાસ જરૂરી હોવાનું કોર્ટની ચર્ચામાં સામે આવ્યું હતું.

દવાના ભાવ નિયંત્રણનો મુદ્દો

આ મામલો માત્ર એક દવાની કિંમત પૂરતો સીમિત નથી. અરજીમાં દવાઓના ભાવ નિયંત્રણ, જેનેરિક દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન સંબંધિત નિયમો જેવા મુદ્દાઓ પણ સામેલ છે. કેન્સર જેવી ગંભીર બીમારીમાં દવાઓનો ખર્ચ દર્દીઓ અને તેમના પરિવાર માટે મોટો આર્થિક પડકાર બની શકે છે.

29 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતમાં રહેલા મોટા તફાવત અંગે સવાલો ઉઠાવ્યા બાદ આ કેસની આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે રાખી છે. હવે આગામી સુનાવણીમાં દવાની કિંમત, MRP નક્કી કરવાની પ્રક્રિયા અને સંબંધિત નિયમન વ્યવસ્થા અંગે વધુ ચર્ચા થવાની શક્યતા છે.  


આ પણ વાંચો :   Vav-Tharad: ‘ગુજ્જુ લવ ગુરુ’ અકસ્માત કેસમાં FIR બાદ સસ્પેન્સ વધ્યું, સામે આવી અકસ્માતની નવી કડી