દિલ્હીના કનોટ પ્લેસ સેન્ટ્રલ પાર્કમાં 16 ઓક્ટોબરે યોજાનારા 'લહેરાવો તિરંગા' પ્રદર્શન સામે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પાલિકા બજારના ફેરિયાઓની અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે સીજેપી નેતા અભિજીત દિપકે સામે કડક પગલાં ભરાશે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સજ્જ રહેશે.

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

દિલ્હી હાઈકોર્ટના એસીજે નીતિન સામ્બ્રેની બેંચ સમક્ષ આ સમગ્ર મામલો સુનાવણી માટે આવ્યો હતો. પાલિકા બજારના ફેરિયા વિક્રેતાઓ દ્વારા પ્રસ્તાવિત પ્રદર્શન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. વેપારીઓએ કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં યોજાનારા આ કાર્યક્રમ સામે વિરોધ દર્શાવ્યો હતો. 

અભિજીત દિપકે સામે પણ કડક કાર્યવાહીની ખાતરી

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એએસજી ચેતન શર્મા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અદાલતને ખાતરી આપી કે પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા તમામ જરૂરી પગલાં ભરશે. આ સાથે સીજેપી નેતા અભિજીત દિપકે સામે પણ કડક કાર્યવાહીની ખાતરી અપાઈ હતી. જાહેર શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું હતું. પાલિકા બજારના વિક્રેતાઓની ચિંતાને ધ્યાને લઈને સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી અપાઈ હતી.

દિપકેએ લોકોને આ માર્ચમાં જોડાવા જાહેર અપીલ કરી

બીજી તરફ સીજેપી ફાઉન્ડર અભિજીત દિપકેએ લોકોને આ માર્ચમાં જોડાવા જાહેર અપીલ કરી છે. તેમણે નાગરિકોને આવતીકાલે સાંજે 5 વાગ્યે તિરંગા માર્ચમાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આશુતોષ અને સૌરવની પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી છે. આ બંને પર તિરંગો ફરકાવવાનો આરોપ મૂકીને અટકાયત કરાઈ હોવાનું તેમણે કહ્યું હતું. 

તિરંગો લહેરાવવો કોઈ પણ હિસાબે ગુનો નથી

દિપકેએ ભારપૂર્વક કહ્યું કે દેશનો તિરંગો લહેરાવવો કોઈ પણ હિસાબે ગુનો નથી. આપણા તિરંગાથી મોટું કશું જ નથી તેવો દાવો તેમણે પોતાના નિવેદનમાં કર્યો હતો. તેમણે તમામ રાજકીય પક્ષોને આ કાર્યક્રમમાં સાથે જોડાવા માટે ખાસ અપીલ કરી હતી. સિવિલ સોસાયટીના લોકોને પણ સાંજે 5 વાગ્યે એકત્ર થવા જણાવવામાં આવ્યું છે. તેમણે દિલ્હી બહાર વસતા યુવાનો અને લોકોને પણ આ મામલે ખાસ સંબોધન કર્યું હતું. જે લોકો દિલ્હી ન આવી શકે તેઓ પોતપોતાના શહેરોમાં સાંજે તિરંગા માર્ચ યોજે. 

હું કોઈપણ ભોગે તિરંગો લહેરાવીને જ રહીશ

તેમણે કહ્યું કેકદાચ મને જેલમાં ધકેલી દેવાશે તો પણ મને તેની કોઈ ચિંતા નથી. હું કોઈપણ ભોગે તિરંગો લહેરાવીને જ રહીશ તેમ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું. હાલ કનોટ પ્લેસ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની દરેક સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. 


આ પણ વાંચો    : New Delhi : કોણ રિલ બનાવે છે અને કોણ સાચો પત્રકાર...તે ઓળખવું મુશ્કેલ: કેન્દ્ર સરકાર