રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનો અને તેના કારણે વેપારીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખવામાં આવ્યો છે. CTIએ નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારોની મોસમ દરમિયાન દિલ્હીના મુખ્ય વાણિજ્યિક અને મધ્ય વિસ્તારોમાં મોટા પાયે યોજાતા વિરોધ પ્રદર્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સંગઠનનું માનવું છે કે આવા પ્રદર્શનોથી વેપાર અને ગ્રાહકોની અવરજવર પર અત્યંત માઠી અસર પડી રહી છે.

વિરોધ પ્રદર્શનો પર રોક લગાવવાની વિનંતી

વડાપ્રધાનને મોકલવામાં આવેલા આ પત્રમાં CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જંતર-મંતર, સંસદ માર્ગ અને લુટિયન્સ દિલ્હી જેવા વ્યસ્ત વિસ્તારોમાં મોટા મેળાવડાઓ અને વિરોધ પ્રદર્શનો પર રોક લગાવવાની વિનંતી કરી છે. સંગઠને સરકાર સમક્ષ એવી પણ અપીલ કરી છે કે ભવિષ્યમાં વિરોધ પ્રદર્શનો માટે દિલ્હીની બહાર કોઈ કાયમી સ્થળ નિયુક્ત કરવામાં આવે, જેથી સામાન્ય જનતા અને વેપારીઓને અસુવિધા ન થાય. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વારંવાર થતા વિરોધ પ્રદર્શનો અને તેના કારણે મેટ્રો સેવાઓમાં થતા વિક્ષેપો ગ્રાહકો અને વેપારીઓ બંને માટે મોટી સમસ્યા બની ગયા છે.

તહેવારોને લઇને વેપારીઓ ચિંતામાં

આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી અને રામલીલાની ઉજવણી સાથે તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે, જે પછી દિવાળી અને લગ્નસરાની સિઝન આવે છે. વેપારીઓ માટે આ સમય વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો હોય છે. CTIના જણાવ્યા અનુસાર, દિલ્હીના આશરે 1.5 મિલિયન વેપારીઓના વ્યવસાયોને સુરક્ષિત રાખવા માટે આ પગલું ભરવું અનિવાર્ય છે. તાજેતરના એક સર્વેમાં ખુલાસો થયો છે કે દિલ્હીના બજારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં વ્યવસાયમાં આશરે 70 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

પ્રદર્શનની અસર પડી રહી છે સ્થાનિક અર્થવ્યવસ્થા પર

સામાન્ય રીતે દિલ્હીની બહારથી ખરીદી કરવા માટે શહેરમાં આવતા ગ્રાહકોની દૈનિક સંખ્યા અંદાજે બે થી ત્રણ લાખની હોય છે, જે ઘટીને માત્ર ૪૦થી ૫૦ હજાર રહી ગઈ છે. આ ઉપરાંત સ્થાનિક ગ્રાહકોની અવરજવરમાં પણ ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. બજારોની આસપાસ ટ્રાફિક જામ, મેટ્રો સ્ટેશન બંધ થવા અને વિરોધ પ્રદર્શનોને કારણે લોકો બજારોમાં જવાનું ટાળી રહ્યા છે, જેની સીધી અસર સ્થાનિક અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

આ પણ વાંચોઃ ઈરાન સાથે ઓઇલ વેપાર બદલ અમેરિકાની કાર્યવાહી,2 ભારતીય કંપનીઓ અને 5 નાગરિકો પર પ્રતિબંધ