ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલીમાં આવેલા જળપ્રલયને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પુર આવ્યા બાદ તાત્કાલિક જ બચાવ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રની સાથે રાજ્યની એજન્સીઓ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ આ વિસ્તારના પીડિતોની મુલાકાત લીધી છે અને રાહત કામગીરીમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં ના આવે તેવા નિર્દેશ આપ્યા છે.


મુખ્યપ્રધાન સવારે પ્રભાવિત વિસ્તાર માટે રવાના થયા

વડાપ્રધાન મોદીએ પણ બુધવારે સવારે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાતચીત કરીને ધરાલી વિસ્તારમાં થયેલી કુદરતી આફત અને ત્યારબાદ ચલાવવામાં આવી રહેલી રાહત બચાવની કામગીરીની સ્થિતિની જાણકારી લીધી છે. મુખ્યપ્રધાન ધામીએ વડાપ્રધાનને કહ્યું કે રાજ્ય સરકાર રાહત અને બચાવ કામગીરીમાં પુરી તત્પરતાની સાથે જોડાઈ છે. મુખ્યપ્રધાન સવારે પ્રભાવિત વિસ્તાર માટે રવાના થયા છે. જ્યાં તેમને પ્રભાવિત પરિવાર સાથે મુલાકાત કરી અને દરેક પ્રકારની સહાય પૂરી પાડવાનો વિશ્વાસ આપ્યો. તેમને અધિકારીને નિર્દેશ આપ્યા કે રાહત સામગ્રી સમયબદ્ધ રીતે પ્રભાવિતો સુધી પહોંચે. તેમને કહ્યું કે રાહત કાર્યોને ગતિ આપવાના ઉદ્દેશ્યથી બે હેલિકોપ્ટરના માધ્યમથી જરૂરી ખાદ્ય અને રાહત સામગ્રી ધરાલી વિસ્તારમાં પહોંચાડવામાં આવી છે. તેમને કહ્યું કે રાજ્ય સરકારની પ્રાથમિકતા દરેક પ્રભાવિત વ્યક્તિ સુધી રાહત સામગ્રી પહોંચે તેવી છે.

તાત્કાલિક હેલિકોપ્ટર મદદ માટે મોકલવામાં આવ્યા

રાજ્ય સરકારની માગ પર કેન્દ્ર સરકારે ચંદીગઢ, સરસાવા અને આગ્રાથી 2 ચિનૂક અને 2 એમઆઈ 17 હેલિકોપ્ટર જોલીગ્રાન્ટ એરપોર્ટ ઉપલબ્ધ કરાવ્યા છે. રસ્તાઓ રિપેર કરવા માટે ચિનૂક હેલીકોપ્ટર દ્વારા ભારે મશીનરી પણ પહોંચાડવામાં આવી રહી છે. બચાવ અભિયાનમાં સેનાના 125 અધિકારી અને જવાન, આઈટીબીપીના 83 અધિકારી અને જવાન પણ લાગેલા છે. ત્યારે બીઆરઓના 6 અધિકારી, 100થી વધારે મજૂરોની સાથે બંધ થયેલા રસ્તાઓ ખોલવામાં જોડાયેલા છે.


  • Follow us on: