ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા જળપ્રલય બાદ હાલમાં બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ પ્રભાવિત થયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવાની સાથે સાથે ગુમ થયેલા લોકોને શોધવામાં લાગી છે. સેના, SDRF, NDRF, પોલીસ અને સ્થાનિક તંત્રના સહયોગથી પુર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
28 એમ્બ્યુલન્સ અને બેકઅપ એમ્બ્યુલન્સ તૈનાત
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 629 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યું છે. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીના નિર્દેશ પર સ્વાસ્થ્ય વિભાગ, SDRF, NDRF અને ભારતીય સેનાની ટીમો સાથે મળીને કામગીરી કરી રહી છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોની ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. આ સિવાય 28 એમ્બ્યુલન્સ અને બેકઅપ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. દાખલ કરેલા 15 દર્દીઓમાંથી 4 લોકોને રજા આપી દેવામાં આવી છે. મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ 1-2 દિવસ ચાલશે તેવી શક્યતા છે.
પ્રભાવિત પરિવારને તાત્કાલિક રાહત તરીકે 5000 રૂપિયા આપવામાં આવ્યા
મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોએ સેના અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. ઉત્તરકાશીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું કે દરેક પ્રભાવિત પરિવારને તાત્કાલિક રાહત તરીકે 5000 રૂપિયા આપવામાં આવ્યા છે. તેમને કહ્યું કે નુકસાનનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને ઝડપી જ જરૂરી અન્ય રાહત પણ પુરી પાડવામાં આવશે. બીજી તરફ રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે પુરમાં ગુમ થયેલા લોકોને ઝડપી શોધવા અમારી પ્રાથમિકતા છે. તેમને કહ્યું કે ધરાલીમાં આવેલી આફત સંબંધિત જાણકારી સોશિયલ મીડિયા પર ફેલાવનારા લોકોની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.