દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, પરંતુ અનેક પરિવારો માટે આ તહેવાર અવિસ્મરણીય પીડા અને કાળઝાળ શોક છોડી ગયો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, ઓડિશા અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગની ઘટનાઓમાં 30 થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક ઘરો અને દુકાનો બળીને રાખ થઈ ગયા છે.

https://x.com/PTI_News/status/2119637479313870962?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119637479313870962%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે તબાહી

મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરહીમાં દિવાળીની રાત્રે ક્રોકરીની એક દુકાનમાં અચાનક લાગેલી આગે ત્રણ માળની ઇમારતને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં 77 વર્ષીય પૂરણ અગ્રવાલ, તેમની પત્ની, પુત્રવધૂ અને બે નાની બાળકીઓ સહિત એક જ પરિવારના 6 સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા. આ જ રીતે, સિઓની જિલ્લામાં પણ એક ઘરમાં લાગેલી આગમાં ૫ લોકોના જીવ ગયા હતા.

કરિયાણાની દુકાનમાં લાગી આગ

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના યેદશી ગામમાં કરિયાણાની દુકાન અને તેની ઉપર આવેલા ઘરમાં લાગેલી આગમાં ઝેરી ધુમાડાથી ગૂંગળાઈ જવાથી એક જ પરિવારના ૬ સભ્યોનાં મોત થયા હતા. મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં પણ બહુમાળી ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે પુણેમાં ૬૩ જેટલી આગની નાની-મોટી ઘટનાઓ નોંધાઈ હતી.

અન્ય રાજ્યોમાં પણ અકસ્માતોની વણઝાર

આસામના ડિબ્રુગઢમાં ઓઇલ ઇન્ડિયા (OIL) ના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતાં 4 કર્મચારીઓ બળીને ખાખ થઈ ગયા હતા. ઓડિશાના જાજપુર જિલ્લામાં એક ઘરમાં લાગેલી આગમાં માતા અને તેના ૩ બાળકો સહિત એક જ પરિવારના 4 સભ્યો સળગી ગયા હતા. આ ઉપરાંત, રાજસ્થાનના પાલીમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગમાં ૨ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દિલ્હીના નરેલામાં ફટાકડાનું રોકેટ વાગવાથી 10 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ 107 વર્ષીય વૃદ્ધનું આગની દુર્ઘટનામાં મોત થયું હતું.

સાવચેતી ખૂબ જ જરૂરી

આ કરૂણાંતિકાઓએ દેશભરમાં ફટાકડા ફોડતી વખતે અને ઔદ્યોગિક એકમોમાં સલામતીના કડક નિયમોનું પાલન કરવા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આસપાસના વિસ્તારોમાં વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આ દુર્ઘટનાઓએ અસંખ્ય પરિવારોની ખુશીઓ હંમેશા માટે છીનવી લીધી છે.

આ પણ વાંચોઃ Donald Trump : હું નરકમાં નથી જવા માંગતો, ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પે આવું કેમ નિવેદન આપ્યું?