આગામી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા મહાપર્વો દરમિયાન પોતાના ઘરે મુસાફરી કરતા રેલ મુસાફરો માટે પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) દ્વારા ખુશખબર આપવામાં આવી છે. તહેવારોની સીઝનમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને લાંબા વેઇટિંગ લિસ્ટની સમસ્યામાંથી મુસાફરોને મુક્તિ અપાવવા માટે રેલવે વહીવટીતંત્રે કુલ ૧૦૦ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને બિહાર તરફ જતાં હજારો નાગરિકોને સુગમ મુસાફરીનો લાભ મળશે.
દિલ્હી, ઉત્તરાખંડ અને બિહાર માટે ખાસ સુવિધા
ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે 'જબલપુર-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ' (01707/01708) શરૂ કરાઈ છે, જે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન સાપ્તાહિક ધોરણે દોડશે. આ ઉપરાંત, 22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી 'જબલપુર-હરિદ્વાર સ્પેશિયલ' પાંચ ટ્રીપમાં ચલાવવામાં આવશે.
ભીડને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરાશે
છઠ પૂજા અને દિવાળી માટે બિહાર જતા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રાણી કમલાપતિ (ભોપાલ) થી દાનાપુર (પટણા) વચ્ચે ૨૨ પ્રવાસો માટે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન અને સોગરિયા (કોટા) થી દાનાપુર વચ્ચે 12 ટ્રીપ માટે સાપ્તાહિક ટ્રેન ચલાવવામાં આવશે, જે મધ્યપ્રદેશના વિવિધ પ્રમુખ સ્ટેશનો પરથી પસાર થશે.
સ્થાનિક અને આંતરિક શહેરો માટે ટ્રેનો
મધ્યપ્રદેશના આંતરિક અને વેપારી મથકોને જોડવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. 'રીવા-રાણી કમલાપતિ સુપરફાસ્ટ સ્પેશિયલ' અને 'રીવા-ડો. આંબેડકર નગર (ઇન્દોર) સાપ્તાહિક પૂજા સ્પેશિયલ' ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ચલાવવામાં આવશે. રોજના મુસાફરો માટે 'કટની-સતના અનરિઝર્વ્ડ સ્પેશિયલ' ૧૦ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર સુધી દરરોજ દોડશે.
રેલવેની અપીલ અને બુકિંગ સુવિધા
રેલવે તંત્રે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાની યાત્રાનું આયોજન કરતા પહેલા ટ્રેનનો ચોક્કસ સમય અને સ્ટોપેજ તપાસી લે. ટિકિટનું બુકિંગ રેલવેના કમ્પ્યુટરાઇઝ્ડ કાઉન્ટર તેમજ સત્તાવાર IRCTC વેબસાઇટ (irctc.co.in) પરથી કરી શકાશે. ટ્રેનોના રીઅલ-ટાઇમ લોકેશન માટે મુસાફરો NTES એપ, enquiry.indianrail.gov.in અથવા રેલ મદદ હેલ્પલાઇન નંબર ૧૩૯ નો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ Natural Face Serum: મોંઘી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કહો અલવિદા, આ 3 વસ્તુઓથી ઘરે જ બનાવો ફેસ સીરમ