EDએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો સાથે જોડાયેલા 'ડંકી રૂટ કેસ'માં મોટી કાર્યવાહી કરી છે. ED જલંધરે બુધવારે પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓ, અમૃતસર, સંગરુર, પટિયાલા, મોગા, અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલમાં 11 જુદા-જુદા સ્થળોએ રેડ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા પોલીસ દ્વારા નોંધાયેલી FIR ના આધારે ED એ આ તપાસ શરૂ કરી હતી, જે BNS 2023 અને ઇમિગ્રેશન એક્ટ, 1983 ની કલમો હેઠળ નોંધાયેલી હતી.
'ડંકી રૂટ કેસ' શું છે?
મળતી માહિતી પ્રમાણે કેટલાક ટ્રાવેલ એજન્ટો અને વચેટિયાઓ અમેરિકા જવા માંગતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેમને ફ્લાઇટ દ્વારા કાયદેસર રીતે વિદેશ મોકલવાનું વચન આપ્યું હતું. બદલામાં તેમણે પ્રતિ વ્યક્તિ 45 થી 50 લાખ રૂપિયાની મોટી રકમની ઉંઘરાણી કરી હતી. પરંતું આ લોકોને 'ડંકી રુટ' એટલે કે જંગલ અને ખતરનાક માર્ગો દ્વારા ઘણા દેશોની સીમા પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. આ કામમાં માનવ તસ્કરી ગેંગના સભ્યો અને આંતરરાષ્ટ્રીય માફિયાઓ પણ જોડાયેલા હતા.
ધમકી આપીને પૈસા પડાવ્યા
ફક્ત એટલું જ નહીં તેમણે રસ્તામાં આ મુસાફરોના ફેમિલીને ધમકી આપીને વધારાના પૈસા પણ પડાવ્યા હતા. EDએ તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે આ એજન્ટો માફિયાઓ સાથે મળીને તે લોકો અને તેમના પરિવારો પર પ્રેશર કરતા હતા. જ્યારે લોકો રસ્તામાં ફસાઈ જતા હતા અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે તેમના પરિવારોને ધમકી આપીને તેમની પાસેથી વધુ પૈસા પડાવવામાં આવતા હતા.
દરોડામાં શું મળ્યું
એક એજન્ટના ઘરેથી 30 ઓરિજનલ પાસપોર્ટ મળી આવ્યા.
અનેક ડિજિટલ સંસાધનો, દસ્તાવેજો અને વાંધાજનક રેકોર્ડ જપ્ત કરાયા.
એજન્ટોએ કરોડો રૂપિયા અને હવાલા વ્યવહારો કરી રહ્યા હોવાના નક્કર પુરાવા.