સોશિયલ મીડિયા પર હાલમાં ચશ્માની દિગ્ગજ કંપની Lenskart ભારે આક્રોશનો સામનો કરી રહી છે. કંપનીની કથિત 'ગ્રૂમિંગ ગાઇડ' લીક થતા જ ધાર્મિક ભેદભાવના ગંભીર આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર #BoycottLenskart ટ્રેન્ડ થઈ રહ્યું છે, કારણ કે આ માર્ગદર્શિકામાં હિન્દુ ધાર્મિક પ્રતીકો પ્રત્યે ભેદભાવ દેખાઈ રહ્યો છે.

શું છે વિવાદનું કારણ?

સોશિયલ મીડિયા પર "લેન્સકાર્ટ સ્ટાફ યુનિફોર્મ અને ગ્રૂમિંગ ગાઇડ" નામનો એક દસ્તાવેજ વાયરલ થયો છે. આ લીક થયેલા દસ્તાવેજ મુજબ, કંપનીએ તેના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે. જેમાં મહિલાઓને હિજાબ પહેરવાની અને શીખ કર્મચારીઓને કાળી પાઘડી પહેરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા તિલક, ચાંદલો કે બિંદી કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીયૂષ બંસલનો ખુલાસો અને લોકોનો પ્રતિભાવ

વિવાદ વધતા કંપનીના સ્થાપક પીયૂષ બંસલે 'X' પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "વાયરલ થઈ રહેલો દસ્તાવેજ જૂનો છે અને તે લેન્સકાર્ટની વર્તમાન નીતિ દર્શાવતો નથી. અમારા સ્ટાફને બિંદી કે તિલક લગાવવાની સંપૂર્ણ આઝાદી છે. જોકે, લોકોએ તેમની આ વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

https://twitter.com/peyushbansal/status/2044452622766424406

તારીખ પર પેચ ફસાયો

નેટિઝન્સે પીયૂષ બંસલના 'જૂના દસ્તાવેજ' હોવાના દાવાને પડકાર્યો છે. કેટલાક યુઝર્સે પુરાવા તરીકે સ્ક્રીનશોટ શેર કર્યા છે, જેમાં આ પોલિસી દસ્તાવેજ પર ફેબ્રુઆરી 2026 ની તારીખ લખેલી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો આ દસ્તાવેજ માત્ર બે મહિના જૂનો હોય, તો તેને આઉટડેટેડ અથવા જૂનો કેવી રીતે કહી શકાય?

સોશિયલ મીડિયા પર બહિષ્કારની હાકલ

ઘણા યુઝર્સ આ નીતિને 'હિન્દુ વિરોધી' ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો હિજાબ અને પાઘડી ધાર્મિક માન્યતાનો ભાગ હોઈ શકે, તો બિંદી અને તિલક સાથે આવો ભેદભાવ શા માટે? આ વિવાદને કારણે લેન્સકાર્ટની બ્રાન્ડ વેલ્યુ પર મોટી અસર પડવાની શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં ગ્રાહકો એપ ડિલીટ કરવાની અને અન્ય બ્રાન્ડ પર સ્વિચ કરવાની વાતો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Parliament Session 2026: મહિલા આરક્ષણ બિલ પર અખિલેશને આડે હાથ લેતા અમિત શાહ, વાંચો Full Story