દેશભરમાં E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે E20 ફ્યુઅલથી વાહનનું એન્જિન ખરાબ થાય છે અથવા સીઝ થઈ જાય છે તેવી વાતો સંપૂર્ણપણે ભ્રામક છે. તેમણે જણાવ્યું કે E20માં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. ઈથેનોલની ઊર્જા ક્ષમતા સામાન્ય પેટ્રોલ કરતાં થોડી ઓછી હોવાથી માઈલેજમાં નજીવો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે ચિંતાજનક નથી.
માઈલેજ ડ્રાઈવિંગની રીત પર આધાર રાખે છે
ગડકરીએ જણાવ્યું કે માઇલેજ મુખ્યત્વે ટ્રાફિકની સ્થિતિ અને ડ્રાઈવિંગની રીત પર આધાર રાખે છે. શહેરના ભારે ટ્રાફિકમાં વારંવાર બ્રેક અને નીચા ગિયરમાં વાહન ચલાવવાથી માઈલેજ ઓછી મળે છે, જ્યારે હાઈવે પર સતત ગતિએ વાહન ચલાવતાં થોડો તફાવત અનુભવાઈ શકે છે. એન્જિનને નુકસાન પહોંચાડવાની વાતોને નકારી કાઢતાં તેમણે જણાવ્યું કે E20 ફ્યુઅલને લાગુ કરતા પહેલાં ARAI અને વિવિધ વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જૂના વાહનોમાં ધાતુના વોશરની જગ્યાએ રબરના વોશર લગાવવાની ભલામણ કરવામાં આવી છે અને કંપનીઓને સર્વિસ દરમિયાન તે નિઃશુલ્ક બદલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
