ભારતમાં E20 પેટ્રોલ વાહનના એન્જિન અને ઇંધણ પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે તેવી વધતી શંકાઓ અને ચિંતાઓ વચ્ચે ઇથેનોલ-મુક્ત પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ બમણું થઈ ગયું છે. વાહન માલિકો હવે એન્જિનની લાંબી આયુ, કાટ સામે રક્ષણ અને ઉત્તમ પ્રદર્શન માટે પરંપરાગત ઇંધણના બદલે હાઇ-ઓક્ટેન ઇથેનોલ-મુક્ત વિકલ્પો તરફ વળી રહ્યા છે.

ઇથેનોલ મિશ્રણને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું

તાજેતરના મહિનાઓમાં 100-ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ બે ગણાથી વધુ નોંધાયું છે. વિશેષ વાત એ છે કે આ એકમાત્ર એવું ઇંધણ છે જેમાં કોઈપણ પ્રકારનું ઇથેનોલ મિશ્રણ કરવામાં આવતું નથી. જુલાઈ મહિનામાં જ્યારે ઇથેનોલ મિશ્રણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, ત્યારે તેની માંગમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દેશની સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ આ ઇંધણ અલગ-અલગ બ્રાન્ડ હેઠળ વેચે છે, જેમાં આઈઓસીએલ (IOCL) નું XP100, બીપીસીએલ (BPCL) નું Speed100 અને એચપીસીએલ (HPCL) નું Power100 સામેલ છે. મૂળભૂત રીતે આ ઇંધણ સુપરકાર, લક્ઝરી સેડાન અને હાઈ-પરફોર્મન્સ સુપરબાઇક માટે બનાવવામાં આવ્યું છે.

ઊંચી કિંમત અને મર્યાદિત ઉપલબ્ધતા

આ ઇંધણની માંગ વધી હોવા છતાં તે દેશના કુલ પેટ્રોલ વેચાણના માત્ર 0.1 ટકા જ છે, કારણ કે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા ઘણી વધારે છે. દિલ્હીમાં ઇથેનોલ-મુક્ત 100-ઓક્ટેન પેટ્રોલની રિટેલ કિંમત આશરે 160 રૂપિયા પ્રતિ લીટર છે, જે સામાન્ય પેટ્રોલ કરતા આશરે 57% મોંઘી છે. મુંબઈમાં પણ તેની કિંમત આશરે 167 રૂપિયા પ્રતિ લીટર આસપાસ ચાલી રહી છે. ઓછી માંગ અને ઊંચી કિંમતને કારણે આ ઇંધણ દેશના 1 ટકાથી પણ ઓછા પેટ્રોલ પંપ પર અને મોટાભાગે ફક્ત મોટા શહેરોમાં જ ઉપલબ્ધ છે.

સરકારનું વલણ અને નિષ્ણાતોનો અભિપ્રાર

સરકારી અધિકારીઓનું માનવું છે કે માંગમાં થયેલો આ વધારો કામચલાઉ છે અને ચિંતાઓ ઓછી થતાં વેચાણ સામાન્ય થઈ જશે. સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે E20 મિશ્રણ ૨૦%થી વધુ વધારવાનો કે ફરીથી E0 કે E10 પેટ્રોલ પાછું લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. ૧૦૦-ઓક્ટેન પેટ્રોલ એન્જિન નોકિંગ અટકાવવામાં મદદરૂપ છે, પરંતુ તેની વધુ કિંમતને કારણે તે આર્થિક રીતે સામાન્ય વાહનચાલકો માટે પરવડે તેમ નથી. હાલમાં E20 પેટ્રોલના કારણે માઇલેજમાં ૩ થી ૫ ટકાનો ઘટાડો થતો હોવાની સ્વીકૃતિ વચ્ચે વાહન માલિકો એન્જિનની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ હાથ ન ધોવો, બાથ ન લેશો એટલું જ નહીં ટોઇલેટ પણ ન જાવ...અહિંયા જાહેર કરાયો વિચિત્ર આદેશ!