દુનિયામાં ઘણીવાર એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના વિશે જાણીને આપણને નવાઈ લાગે. તાજેતરમાં અમેરિકાના મિશિગન રાજ્યમાં એક એવી અજીબોગરીબ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. અહીંના ગ્લેડવિન શહેરમાં રહેતા લોકોને અધિકારીઓ તરફથી એક એવો આદેશ મળ્યો કે જેણે સૌને હચમચાવી દીધા. લોકોને કહેવામાં આવ્યું કે આગામી આદેશ સુધી કોઈએ પણ પોતાના ઘરમાં ટોઇલેટ ફ્લશ કરવું નહીં, હાથ ધોવા નહીં કે શાવર (સ્નાન) કરવો નહીં. આ અસામાન્ય પ્રતિબંધ પાછળનું કારણ જાણીને લોકોના હોશ ઉડી ગયા છે.
પાણીના વપરાશ પર આ કારણે મિકાયો પ્રતિબંધ
ઘટનાની વિગતો મુજબ, બદલાતા હવામાન અને ભારે વાવાઝોડા વચ્ચે સોમવારે ગ્લેડવિન શહેરના મુખ્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર અચાનક વીજળી ત્રાટકી હતી. આ કુદરતી આફતના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે નાગરિકો જાગ્યા, ત્યારે તેમને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી એક કટોકટી સંદેશ મળ્યો જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે પાણીનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ગંભીર સમસ્યા સર્જી શકે છે.

ગટરનું પાણી ઘરોમાં પાછું ફરવાનો ભય
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લાન્ટ બંધ થઈ જવાને કારણે ગટરની પાઇપલાઇનો પર ભારે દબાણ વધી ગયું છે. જો નાગરિકો સામાન્ય દિવસોની જેમ પાણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, તો ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસોડાના નળ, સિંક અને બાથરૂમમાં પાછું વહીને બહાર આવશે. ફ્લશ દબાવવાની એક નાની ભૂલ પણ આખા ઘરને ગંદકી અને ખરાબ વાસથી ભરી શકે છે. આ ગંભીર જોખમને ટાળવા માટે જ વહીવટીતંત્રે આ કડક આદેશ જારી કરવો પડ્યો હતો. હાલમાં ટેકનિકલ ટીમો યુદ્ધના ધોરણે નુકસાન સુધારવાની કામગીરી કરી રહી છે.
નાગરિકોની પ્રતિક્રિયાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા
આ અણધારી સમસ્યાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે, જોકે વહીવટીતંત્ર દ્વારા રાહત આપવા માટે શહેરના વિવિધ ઉદ્યાનો, બજારો અને સિટી હોલની આસપાસ કામચલાઉ પોર્ટેબલ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે. એક સ્થાનિક રહેવાસીએ મજાકમાં કહ્યું કે લાગે છે કે બધાએ પોતાનું કામ બહાર જ પતાવવું પડશે. જ્યારે અન્ય એક રહેવાસીએ ગંભીરતાથી અપીલ કરી હતી કે કોઈ આ ચેતવણીને હળવાશથી ન લે, કારણ કે કોઈ પણ પોતાના ઘરમાં ગટરનું પાણી પાછું જોવા માંગતું નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Ramayana: ટ્રોલિંગ બાદ બદલાયો રામાયણના રાક્ષસોનો લુક, VFX સુધારીને કરાયા ફેરફારો