ઉત્તરાખંડમાં થયેલા ચકચારી એસસી/એસટી (SC/ST) શિષ્યવૃત્તિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP) ના વિધાન પરિષદ સભ્ય (MLC) ધર્મેન્દ્ર ભારદ્વાજ સામે સકંજો કસવામાં આવ્યો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવેલી તેમની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓની અંદાજે ₹13.83 કરોડ (આશરે ₹14 કરોડ) ની ચલ-અચલ સંપત્તિઓને અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે.
ભાજપ નેતા પર ₹29 કરોડની હેરાફેરીનો આરોપ
આ મામલે ED દ્વારા મની લોન્ડરિંગનો ગુનો નોંધીને તપાસ ચાલી રહી છે. આરોપ છે કે મેરઠ સ્થિત 'મહાવીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી' સહિતની સંસ્થાઓમાં બોગસ વિદ્યાર્થીઓના નામો દર્શાવીને સરકાર પાસેથી મળતા શિષ્યવૃત્તિના ભંડોળમાંથી ₹29 કરોડનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે ભાજપના નેતા ધર્મેન્દ્ર ભારદ્વાજે સ્પષ્ટતા કરી છે કે તેમનો આ શૈક્ષણિક સંસ્થાઓની મેનેજમેન્ટ કમિટીઓ સાથે કોઈ સીધો સંબંધ નથી.
શિષ્યવૃત્તિના નામે ગેરરિતી
ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વર્ષ 2020થી આ કેસની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન શિષ્યવૃત્તિના નામે થયેલી ગેરરીતિઓના કેટલાક મોટા ખુલાસા થયા છે. જેમાં તપાસમાં જાણવા મળ્યું કે 6,208 શિષ્યવૃત્તિ દાવાઓમાંથી 2,895 (46.63 ટકા) છેતરપિંડીભર્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે આ છેતરપિંડીએ રાજ્ય સરકારને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે આરોપી વ્યક્તિઓ અને સંકળાયેલી સંસ્થાઓએ ગેરકાયદેસર લાભ મેળવ્યો હતો.
નકલી લાભાર્થીઓનું સત્ય
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, વિશેષ ગ્રાન્ટ મેળવનારા આશરે 47 ટકા વિદ્યાર્થીઓ કાં તો પરીક્ષામાં નાપાસ થયા હતા, ગેરહાજર રહ્યા હતા, અથવા તો શૈક્ષણિક સંસ્થાઓના રેકોર્ડમાં તેમનો કોઈ પતો જ નહોતો. આમ, પાત્રતાના માપદંડો પૂર્ણ ન કરવા છતાં તેમના નામે સરકારી નાણાં ઉઠાવવામાં આવતા રહ્યા હતા.
ક્યારે કૌભાંડ આવ્યું સામે ?
આ સમગ્ર કૌભાંડ વર્ષ 2011-12 થી 2016-17 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટેની 'પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ' યોજનામાં આચરવામાં આવ્યું હતું. આ અંગે ઉત્તરાખંડ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR) ના આધારે ED એ પોતાની તપાસ શરૂ કરી હતી.
કેન્દ્રીય એજન્સીએ હરિદ્વાર અને રૂરકીમાં આવેલી શૈક્ષણિક અને સંસ્થાકીય ઇમારતો, જમીન તેમજ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ને જપ્ત કરવા માટેનો આ છઠ્ઠો આદેશ જાહેર કર્યો છે.
ED ના નિવેદન અનુસાર, આ છેતરપિંડીને કારણે રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે, જ્યારે આરોપીઓ અને તેમની સંસ્થાઓએ ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?